Video: સાયલામાં રાજકીય ધમાલ, કેજરીવાલ અને માનની ઉપસ્થિતિમાં કિસાન મહાપંચાયત, ચુસ્ત બંદોબસ્ત
આજે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા નજીક કડદા પ્રથા મુદ્દે આમ આદમી પાર્ટી (AAP
આજે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા નજીક કડદા પ્રથા મુદ્દે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા યોજાયેલી 'કિસાન મહાપંચાયત'ને લઈને સમગ્ર વિસ્તારમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, તેમજ ગુજરાતના પ્રભારી ગોપાલ ઇટાલીયા, ચેતન વસાવા અને ઈશુદાન ગઢવી સહિત અનેક અગ્રણી નેતાઓ હાજરી આપવાના છે.
ખેડૂતોને હાકલ:
સુરેન્દ્રનગર જિલ્લા 'આપ' પ્રમુખ મયુર સાકરિયાએ જાહેરાત કરી છે કે કિસાન મહાપંચાયત માટે મામલતદાર તરફથી મંજૂરી મળી ગઈ છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા મોટી સંખ્યામાં ખેડૂતોને હાજરી આપવા માટે આહવાન કર્યું છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત:
આ મહત્ત્વપૂર્ણ રાજકીય આયોજનને પગલે વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. સુરક્ષા માટે કુલ 300 જેટલો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં 3 ડીવાયએસપી (DYSP), 10 પીઆઈ (PI),40 પીએસઆઈ (PSI) અને અન્ય પોલીસ કર્મીઓનો સમાવેશ થાય છે.
કડદા બનાવની અસર:
અગાઉ હડદડ ખાતે બનેલા વિવાદાસ્પદ બનાવમાં સુરેન્દ્રનગર જિલ્લાના સૌથી વધુ 36 ખેડૂતો સામેલ હતા. આ બનાવ સંદર્ભે કુલ 85 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેમાંથી 65 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમાંથી 35 જેટલા સુરેન્દ્રનગર જિલ્લાના લોકો હાલ જેલમાં છે. આ ઘટના પણ કડદા પ્રથા જેવા મુદ્દાને વધુ સંવેદનશીલ બનાવે છે. મહાપંચાયત સાયલાના સુદામડા-પાળીયાદ રોડ પાસે આયોજિત થઈ રહી છે.














