Ahmedabad / પોલીસ જ બની મદદગાર! આરોપીને જેલને બદલે વસ્ત્રાલ લઈ જઈ ભગાડી દેનાર ASI સામે ગુનો દાખલ

અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનના દુષ્કર્મના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા કાચા કામના આરોપીને સારવાર બાદ સાબરમતી સેન્ટ્રલ જેલ મોકલવાને બદલે વસ્ત્રાલ તરફ લઈ જઈ ભગાડી દેવામાં મદદ કરનાર સંબંધી ASI અને આરોપી સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. કોર્ટ મુદત દરમિયાન તબિયત લથડતાં અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા આરોપીને ડિસ્ચાર્જ મળતાં ફરજ પરના ASI તેને પૂરતા જાપ્તા વગર એકલા જ લઈ ગયા હતા. આ મામલે આર્મ્ડ પોલીસ ઇન્સ્પેક્ટરે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મ અને અન્ય ગંભીર ગુનાના કાચા કામના આરોપી રાધે ઉર્ફે ગોપાલ રાજુ ઠક્કરને સાબરમતી જેલમાંથી 27મી ઓક્ટોબરે કોર્ટ મુદત માટે પોલીસ જાપ્તા સાથે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત લથડતાં સારવાર અર્થે અસારવા સિવિલ હોસ્પિટલના લોકઅપ ગાર્ડમાં દાખલ કરાયો હતો. 29મી ઓક્ટોબરે બપોરે તબીબોએ તેને ડિસ્ચાર્જ કર્યો હતો. નિયમ મુજબ તેને પૂરતા પોલીસ જાપ્તા સાથે જેલ હવાલે કરવાનો હતો.
જોકે, ફરજ પર તહેનાત એ.એસ.આઈ. રાજેશ દયારામ આરોપી પોતાનો સંબંધી થતો હોવાનું કહી અન્ય સ્ટાફને સાથે રાખ્યા વગર એકલા જ તેને રિક્ષામાં બેસાડીને નીકળ્યા હતા. શરૂઆતમાં પોલીસ કંટ્રોલ રૂમમાં એવો મેસેજ ફ્લેશ કરાયો હતો કે દૂધેશ્વર સર્કલ પાસે ટ્રાફિક જામનો લાભ લઈને આરોપી ફરાર થઈ ગયો છે. પરંતુ માધવપુરા અને રામોલ પોલીસની પ્રાથમિક તપાસમાં ભાંડો ફૂટ્યો હતો કે ASI આરોપીને જેલ લઈ જવાને બદલે વસ્ત્રાલ તરફ લઈ ગયા હતા.
વસ્ત્રાલ નિરાંત ચાર રસ્તા પાસેથી આરોપી રાધે ઉર્ફે ગોપાલ પોલીસ પકડમાંથી નાસી છૂટ્યો હતો. ગંભીર ગુનાના આરોપીને ભગાડવામાં મદદ કરવા અને કાયદેસરની ફરજમાં બેદરકારી દાખવવા બદલ આર્મ્ડ પોલીસ ઇન્સ્પેક્ટરની ફરિયાદના આધારે રામોલ પોલીસે ASI રાજેશ દયારામ તથા ફરાર આરોપી રાધે ઉર્ફે ગોપાલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









