અમદાવાદમાં 65 કરોડથી વધુના પ્લોટની અડધી કિંમતે ફાળવણીની દરખાસ્ત રદ, હવે AMC કરશે જાહેર હરાજી

અમદાવાદના એસજી હાઇવે પર આવેલી હીરામણિ સ્કૂલના કેમ્પસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની માલિકીનો 2608 ચોરસ મીટરનો પ્લોટ હવે જાહેર હરાજીથી ફાળવવામાં આવશે. આ પ્લોટ પાર્કિંગના હેતુ માટે ફાળવવામાં આવ્યો હતો, પરંતુ જન સહાયક ટ્રસ્ટ દ્વારા તેનો હેતુફેર કરીને શૈક્ષણિક ઉપયોગ માટે ફાળવવાની માંગ કરવામાં આવી હતી. પ્લોટની બજાર કિંમત 65 કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ હોવા છતાં તેને હરાજી વિના 50 ટકા કિંમતે ફાળવવાની દરખાસ્ત સામે વિવાદ સર્જાયો હતો. મામલે સવાલો ઊઠતાં ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીના ચેરમેને દરખાસ્ત પરત કરી છે.
65 કરોડના પ્લોટની અડધી કિંમતે ફાળવણીનો વિવાદ
આ પ્લોટ કોર્પોરેશનને જમીન કપાત હેઠળ સામાજિક માળખાકીય સુવિધા માટે પાર્કિંગના ઉપયોગ અર્થે મળ્યો હતો. વર્ષોથી તેનો ઉપયોગ પાર્કિંગ માટે થઈ રહ્યો છે. હીરામણિ સ્કૂલના જન સહાયક ટ્રસ્ટે આ પ્લોટનો ઉપયોગ શૈક્ષણિક હેતુ માટે કરવાની રજૂઆત કરી હતી. આ માટે પાર્કિંગના હાલના હેતુમાં ફેરફાર કરીને શૈક્ષણિક હેતુ માટે ફાળવણી કરવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી. જોકે, નિયમ મુજબ પ્લોટનો હેતુફેર કરીને શૈક્ષણિક ઉપયોગ માટે ફાળવણી કરવામાં આવે તો તેની કિંમતના 50 ટકા જ ચૂકવવાના થાય. પરિણામે 65 કરોડ રૂપિયાથી વધુ બજાર કિંમત ધરાવતા પ્લોટની ફાળવણીથી કોર્પોરેશનને મોટી રકમનું નુકસાન થવાની શક્યતા હતી. આ બાબતે વિવાદ ઊભો થતાં દરખાસ્ત પરત ખેંચવામાં આવી છે.
મૂલ્યાંકન કમિટી કિંમત નક્કી કરશે, ત્યારબાદ હરાજી
હવે પ્લોટની કિંમત નક્કી કરવા માટે મૂલ્યાંકન કમિટી દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે. ત્યારબાદ જાહેર હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ રીતે કોઈ એક સંસ્થાને સીધી અડધી કિંમતે પ્લોટ ફાળવવાને બદલે હરાજી દ્વારા તેનો નિકાલ કરાશે.
'દરખાસ્ત પરત ખેંચવામાં આવી છે, આગામી દિવસોમાં નિર્ણય લેવાશે'
ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, છારોડી-ઓગણજ વિસ્તારમાં જન સહાયક ટ્રસ્ટ-હીરામણિ સ્કૂલ દ્વારા કોર્પોરેશનના 2608 ચોરસ મીટરના પ્લોટનો હેતુફેર કરીને શૈક્ષણિક હેતુ માટે જાહેર હરાજીથી નિકાલ કરવા અંગે દરખાસ્ત મૂકવામાં આવી હતી. જોકે, આ દરખાસ્ત હાલમાં પરત ખેંચવામાં આવી છે અને આ મામલે આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
ટ્રસ્ટ વાર્ષિક 2.44 લાખ રૂપિયાનું ભાડું ચૂકવે છે
હાલ જન સહાયક ટ્રસ્ટ આ પ્લોટનો ઉપયોગ કરવા માટે AMCને વાર્ષિક 2.44 લાખ રૂપિયાનું ભાડું ચૂકવે છે. હીરામણિ સ્કૂલના કેમ્પસમાં આવેલા આ પ્લોટનો ઉપયોગ હાલમાં પાર્કિંગ માટે થાય છે. હવે હેતુફેર અને સીધી ફાળવણીની દરખાસ્તને બદલે મૂલ્યાંકન બાદ જાહેર હરાજી દ્વારા પ્લોટનો નિકાલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.














