મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં ચકચાર: દુષ્કર્મના આરોપીને જેલ મોકલવાને બદલે વસ્ત્રાલ લઈ જઈ ભગાડી દેનાર ASI વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદમાં ચકચાર: દુષ્કર્મના આરોપીને જેલ મોકલવાને બદલે વસ્ત્રાલ લઈ જઈ ભગાડી દેનાર ASI વિરુદ્ધ ગુનો દાખલ
તસવીર: Gstv
આ સમાચાર સાંભળો

અમદાવાદ:

નરોડા પોલીસ સ્ટેશનના દુષ્કર્મના એક ગંભીર ગુનામાં જેલવાસ ભોગવી રહેલા કાચા કામના આરોપીને સારવાર બાદ સાબરમતી સેન્ટ્રલ જેલ મોકલવાને બદલે વસ્ત્રાલ તરફ લઈ જઈને ફરાર થવામાં મદદ કરનાર આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) અને આરોપી સામે રામોલ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટનાથી પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.

ઘટનાની મુખ્ય વિગતો:

 હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ: નરોડા પોલીસ સ્ટેશનના બળાત્કાર કેસના આરોપી રાધે ઉર્ફે ગોપાલ રાજુભાઈ ઠક્કરની કોર્ટ મુદત દરમિયાન તબિયત લથડતાં તેને અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ગત 29 ઓક્ટોબરે બપોરે તબીબો દ્વારા તેને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

 નિયમોને તારે મૂક્યા: નિયમ મુજબ આરોપીને પૂરતા પોલીસ જાપ્તા સાથે જેલ હવાલે કરવાનો હોય છે, પરંતુ ફરજ પર રહેલા ASI રાજેશ દયારામ આરોપી પોતાનો સંબંધી થતો હોવાનું જણાવી અન્ય કોઈ સ્ટાફને લીધા વગર એકલા જ તેને રિક્ષામાં બેસાડીને નીકળી ગયા હતા.

 કંટ્રોલ રૂમમાં ખોટી માહિતી: પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે શરૂઆતમાં કંટ્રોલ રૂમમાં એવો મેસેજ ફ્લેશ કરવામાં આવ્યો હતો કે દૂધેશ્વર સર્કલ પાસે ટ્રાફિક જામનો લાભ લઈને આરોપી ફરાર થઈ ગયો છે.

 પોલીસ તપાસમાં ભાંડો ફૂટ્યો: માધવપુરા અને રામોલ પોલીસની પ્રાથમિક તપાસમાં હકીકત બહાર આવી હતી કે ASI આરોપીને જેલ મોકલવાના બદલે વસ્ત્રાલ તરફ લઈ ગયા હતા, જ્યાં વસ્ત્રાલ નિરાંત ચાર રસ્તા પાસેથી આરોપી પોલીસ પકડમાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

કાયદેસરની કાર્યવાહી

ગંભીર ગુનાના આરોપીને ભગાડવામાં મદદ કરવા તેમજ ફરજમાં બેદરકારી દાખવવા બદલ આર્મ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવેલી સત્તાવાર ફરિયાદના આધારે રામોલ પોલીસે ASI રાજેશ દયારામ તથા ફરાર આરોપી રાધે ઉર્ફે ગોપાલ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો