Video/ બેદરકારીનો વીજ કરંટ: ડાકોરમાં લેખિત ફરિયાદ છતાં MGVCLએ ન સાંભળ્યું, સ્થાનિકોના TV-ફ્રિજ સહિતના કિંમતી ઉપકરણો બળી ગયા!
ડાકોર શહેરમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) ની ગંભીર બેદરકારીને કારણે સ્
ડાકોર શહેરમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) ની ગંભીર બેદરકારીને કારણે સ્થાનિક રહીશો અને વેપારીઓને લાખો રૂપિયાનું મોટું નુકસાન થયું છે. ડાકોર મંદિર વિસ્તારમાં રહેતા લોકોના ઘરો અને દુકાનોમાં ગઈકાલે મંગળવારે રાત્રે અને આજે બુધવારે સવારે વીજળીના ઉપકરણો બળી જવાની ઘટના બની છે, જેની પાછળ MGVCLના અધિકારીઓની નિષ્ક્રિયતા જવાબદાર હોવાનું સ્થાનિકો માની રહ્યા છે.
લેખિત રજૂઆત છતાં ઇજનેરે અવગણના કરી
સ્થાનિક રહીશો દ્વારા જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણથી ચાર મહિના પહેલાં જ ડાકોર મંદિર વિસ્તારના રહીશોએ લેખિત તેમજ મૌખિક ફરિયાદ દ્વારા ઇજનેરને જાણ કરી હતી કે લાઈટની લાઈનમાં વાયરોમાં તણખા ઝરી રહ્યા છે અને વારંવાર લાઈટો બંધ થઈ રહી છે. સ્થાનિકોએ વારંવાર લેખિત રજૂઆતો કરી હોવા છતાં, MGVCLના કર્મચારીઓ તેમજ ઇજનેર દ્વારા આ બાબતની ઘોર અવગણના કરવામાં આવી હતી.
ઘરોમાં ટીવી, ફ્રીજ, મોટરો બળી ગયા
અધિકારીઓની આ બેદરકારીનું ગંભીર પરિણામ ગઈકાલે રાત્રે અને આજે સવારે જોવા મળ્યું. આ વિસ્તારમાં રહેતા અને ધંધો કરતા ઘણા બધા રહીશોના ઘરના ટીવી, ફ્રિજ, સીસીટીવી કેમેરા અને પાણી કાઢવાની મોટરો સળગી ઉઠ્યા હતા. આ ઘટનાને કારણે સ્થાનિકોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે અને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.
સ્થાનિકોનો આક્રોશ: 'નુકશાનીની ભરપાઈ કોણ આપશે?'
પીડિત સ્થાનિકો અને વેપારીઓએ MGVCL સામે ભારે બળાપો ઠાલવ્યો છે. પીડિત વેપારી દામોદર પ્રજાપતિ અને અન્ય સ્થાનિકોએ જણાવ્યું કે "જો અમે લાઈટ બિલ ભરવામાં સહેજ પણ ચૂક કરીએ, તો તંત્ર તરત જ કનેક્શન કાપી નાખે છે. જ્યારે અમારી વસ્તુઓ બળી જાય, ત્યારે આ નુકસાનીની ભરપાઈ કરવાની જવાબદારી પણ તંત્રની જ હોવી જોઈએ, જેથી તેમને પોતાની ફરજનું ભાન થાય. સરકારી 'જમાઈઓ' ઓફિસોમાં બેસી કામ કરી રહ્યા છે, પ્રજાને પડતી મુશ્કેલીઓનું શું?"
સ્થાનિકોએ સરકારને આ દિશામાં કડક કાર્યવાહી કરવા અને આ અધધ નુકસાનીની ભરપાઈ કરી આપવા માટે માંગણી કરી છે, જેથી સામાન્ય નાગરિકો વારંવાર આવી આર્થિક મુશ્કેલીઓનો ભોગ ન બને.
















