Video: રાધનપુર GIDCમાં ખાદ્યતેલના રિપેકિંગ યુનિટમાં અસ્વચ્છતા બદલ ફૂડ લાઇસન્સ સસ્પેન્ડ, તેલનો જથ્થો જપ્ત

પાટણ જિલ્લાના રાધનપુર GIDCમાં ખાદ્યતેલના રિપેકિંગ યુનિટ સામે FDCA દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. GIDCના પ્લોટ નંબર 233 અને 234માં આવેલા દેવી કૃપા પ્રોટીન્સ ખાતે તપાસ દરમિયાન અત્યંત અસ્વચ્છ પરિસ્થિતિ જોવા મળતાં યુનિટનું ફૂડ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. તપાસ દરમિયાન યુનિટમાં પક્ષીઓનાં માળાં અને કરોળિયાનાં જાળાં પણ મળી આવ્યાં હતાં. અધિકારીઓએ અંદાજે 1.60 લાખ રૂપિયાની કિંમતનો 1,075 કિલો ખાદ્યતેલનો જથ્થો જપ્ત કર્યો છે. તપાસમાં જૂનાં 15 કિલોનાં ટીનમાં ખાદ્યતેલનું પેકિંગ થતું હોવાનું પણ સામે આવ્યું હતું. FDCAની ટીમે સોયાબીન તેલના બે અને સીંગતેલનો એક મળી કુલ ત્રણ નમૂના લઈને લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલ્યા છે, જેના અહેવાલ બાદ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.







