ભારત-ન્યૂઝીલેન્ડ T20 સિરીઝ: ટીમ ઈન્ડિયાની જીતથી ICC રેન્કિંગમાં મોટો ફાયદો

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની T20 સિરીઝની પ્રથમ ત્રણ મેચ ટીમ ઈન્ડિયાએ જીતી લીધી છે. બેક-ટુ-બેક ત્રણ મેચ જીતીને ભારતીય ટીમે સિરીઝ પર પણ કબ્જો કરી લીધો છે. હજુ બે મેચ બાકી છે. આ દરમિયાન ભારતને ICC રેન્કિંગમાં જબરદસ્ત ફાયદો થયો છે. શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ વાળી ટીમ ઈન્ડિયા હવે ફરીથી નંબર વન બનવાની નજીક પહોંચી ગઈ છે. હવે ઈંગ્લેન્ડની પહેલા નંબરની ખુરશી પર જોખમ દેખાવા લાગ્યું છે.
ત્રણ મેચ જીતીને ભારતની રેટિંગમાં થયો સુધારો
ટીમ ઈન્ડિયાનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ ચાલુ છે. સિરીઝની પહેલી મેચ 22 ઓક્ટોબરે રમાઈ હતી. જો 21 ઓક્ટોબરની ICC T20 રેન્કિંગ પર નજર કરીએ તો ખબર પડે છે કે ભારતની રેટિંગ 267ની હતી. તે સમયે ઈંગ્લેન્ડની ટીમ 269ની રેટિંગ સાથે પહેલા નંબરે કબ્જો હતો. પરંતુ હવે એટલે કે ત્રણ મેચ રમાયા અને ભારતની જીત બાદ ટીમ ઈન્ડિયાની રેટિંગ વધી ગઈ છે. ભારતની રેટિંગ આજે એટલે કે 28 ઓક્ટોબરે 269ની થઈ ચૂકી છે. જેવું કે અમે તમને પહેલા જ જણાવ્યું કે ઈંગ્લેન્ડની રેટિંગ પણ આટલી જ છે.
ટીમ ઈન્ડિયા ફરીથી બની શકે છે ટોપર
હવે ICC T20 રેન્કિંગમાં ભારત અને ઈંગ્લેન્ડની રેટિંગ સરખી થઈ ગઈ છે, પરંતુ જો દશાંશ સુધીના અંકો ઉમેરવામાં આવે તો ઈંગ્લેન્ડ થોડું આગળ દેખાય છે. પરંતુ એટલું તો નક્કી છે કે ઈંગ્લેન્ડની પહેલા નંબરની ખુરશી પર જોખમ છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 સિરીઝની ચોથી મેચ શુક્રવારે રમાશે, ત્યારબાદ રવિવારે છેલ્લી મેચ થશે. જો ભારતે ન્યૂઝીલેન્ડનો સફાયો કરી દીધો અને તમામ 5 મેચ જીતી લીધી, તો એ પાક્કું છે કે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડને પછડાટ આપીને ફરીથી T20 ઈન્ટરનેશનલની નંબર વન ટીમ બની જશે.
ન્યૂઝીલેન્ડની રેટિંગ ઘટી, હાલ ચોથા નંબરે કબ્જો
પહેલા બે નંબરની ટીમોની વાત તો આપણે કરી લીધી, પરંતુ તેનાથી નીચેની ત્રણ અન્ય ટીમો પર નજર કરીએ તો અહીં ઓસ્ટ્રેલિયા ત્રીજા નંબરે છે. તેની રેટિંગ 260ની છે. ન્યૂઝીલેન્ડની રેટિંગ 245ની છે અને ટીમ ચોથા નંબરે છે. આ જ ન્યૂઝીલેન્ડની રેટિંગ સિરીઝ શરૂ થતા પહેલા 247ની હતી, જે હવે ઘટી ગઈ છે. ત્યારબાદ સાઉથ આફ્રિકાની ટીમ છે, જેની રેટિંગ 243ની છે. પાકિસ્તાનનું નામ ટોપ 5માં નથી, તે છઠ્ઠા નંબરે છે. તેની રેટિંગ માત્ર 240ની જ છે.






