IND vs NZ / વૈભવ અને અભિષેકની ધમાકેદાર ઈનિંગ્સે ભારતને જીત અપાવી, ટીમ ઈન્ડિયાએ સિરીઝ પોતાના નામે કરી

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની T20 સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની ત્રીજી મેચ 27 ઓક્ટોબરે રમાઈ હતી. ભારતે શાનદાર બેટિંગ કરી અને છ વિકેટથી મેચ જીતી લીધી. અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશીએ ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું. બંનેએ ભારતને મજબૂત શરૂઆત અપાવી, ટીમ ઈન્ડિયાને સતત ત્રીજી મેચ જીતવામાં અને સિરીઝ પણ સુરક્ષિત કરવામાં મદદ કરી.
ન્યુઝીલેન્ડે 198 રન બનાવ્યા
ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 198 રન બનાવ્યા. જવાબમાં, ભારતીય ટીમે આક્રમક બેટિંગ કરી અને માત્ર 13.2 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરી લીધો. ભારતના પ્રભાવશાળી વિજયનો સૌથી મોટો હીરો અભિષેક શર્મા હતો, જેણે માત્ર 38 બોલમાં 113 રન બનાવ્યા. આ દરમિયાન 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ 19 બોલમાં 45 રન બનાવીને કિવી બોલર્સ માટે મુશ્કેલીઓ ઉભી કરી. આ વિજય સાથે ભારતે પાંચ મેચની T20 સિરીઝમાં 3-0ની અજેય લીડ મેળવી અને સિરીઝ જીતી લીધી.
ભારતે અભિષેક શર્માના દમ પર આસાન જીત નોંધાવી
199 રનનો ટાર્ગેટ ચેઝ કરતા, ભારતીય ટીમે નવી ઓપનિંગ જોડીનો પ્રયોગ કર્યો. યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી અભિષેક શર્મા સાથે ઈનિંગ ઓપન કરવા આવ્યો. મેદાનમાં પ્રવેશતાની સાથે જ બંનેએ ન્યુઝીલેન્ડના બોલર્સ પર હુમલો કર્યો. ભારતીય બેટ્સમેનોએ પહેલા જ ઓવરમાં 26 રન બનાવીને મેચનો રંગ જ્માવ્ય્પ. મેન્સ T20I ક્રિકેટમાં પૂર્ણ સભ્ય ટીમો વચ્ચે પહેલી જ ઓવરમાં આટલા બધા રન બન્યા હોય તેવું આ પહેલી વાર હતું.
ત્યારબાદ, પાવરપ્લેમાં ભારતીય બેટ્સમેનોની વિસ્ફોટક બેટિંગ ચાલુ રહી. અભિષેક શર્માએ ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો અને માત્ર 14 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આ દરમિયાન વૈભવ સૂર્યવંશીએ પણ ઝડપથી રન બનાવીને તેને ટેકો આપ્યો. ન્યુઝીલેન્ડના બોલર્સ તેની વિસ્ફોટક બેટિંગ સામે લાચાર દેખાતા હતા. ભારતીય ટીમે પ્રથમ છ ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 118 રન બનાવ્યા. મેન્સ T20I ક્રિકેટમાં પાવરપ્લે દરમિયાન આ અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર છે. આમ, રેકોર્ડબ્રેક બેટિંગના કારણે ભારતે માત્ર મેચ જીતી જ નહીં પરંતુ સિરીઝ પણ જીતી લીધી.






