મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અર્બન ચોકમાં ફૂડ સ્ટોલ આગની લપેટમાં, કરવાચોથના દિવસે મોટી દુર્ઘટના ટળી

અર્બન ચોકમાં ફૂડ સ્ટોલ આગની લપેટમાં, કરવાચોથના દિવસે મોટી દુર્ઘટના ટળી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા રાજપથ રંગોલી ક્લબ રોડ પર આવેલા 'અર્બન ચોક' ફૂડ બજારમાં આજે ગુરુવારે રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. પ્રાથમિક વિગતો મુજબ એક સ્ટોલમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આસપાસના મોમોસ સહિત અન્ય સ્ટોલ્સને પણ લપેટમાં લઈ લીધા હતા. કરવાચોથનો તહેવાર હોવાથી ફૂડ કોર્ટમાં મોટી સંખ્યામાં લોકો ખાણીપીણીની મજા માણી રહ્યા હતા, જેથી ઘટનાને પગલે થોડા સમય માટે સમગ્ર પરિસરમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી

ઘટનાની જાણ થતાં જ બોપલ ફાયર સ્ટેશનનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો છે. ફાયર બ્રિગેડની 3 થી 4 ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી છે. મહત્વનું છે કે 50થી વધુ સ્ટોલ ધરાવતા આ પરિસરમાંથી ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસે સૌ પ્રથમ લોકોને સુરક્ષિત રીતે પરિસરમાંથી બહાર કાઢ્યા હતા.

પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં 3 થી 4 આઉટલેટ્સને ભારે નુકસાન પહોંચ્યું છે. પરંતુ કોઈ પણ પ્રકારની જાનહાનિ કે મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા નથી. સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં આવ્યા બાદ આગ લાગવાના ચોક્કસ કારણ અંગે તપાસ હાથ ધરવામાં આવશે.

આ સમાચાર શેર કરો