Video/ સતલાસણામાં એક જ રાતમાં 6 દુકાનોના તૂટયા તાળા, તસ્કરોએ મચાવ્યો કહેર
મહેસાણા જિલ્લાના સતલાસણામાં તસ્કરોએ પોલીસને પડકાર ફેંકતા એક જ રાતમાં અનેક સ
મહેસાણા જિલ્લાના સતલાસણામાં તસ્કરોએ પોલીસને પડકાર ફેંકતા એક જ રાતમાં અનેક સ્થળોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. સતલાસણા માર્કેટયાર્ડ અને તેની આસપાસની દુકાનોને નિશાન બનાવી તસ્કરોએ લાખોની મતાની ચોરી કરી હોવાની આશંકા સેવાઈ રહી છે.
એક જ રાતમાં 6 થી વધુ સ્થળોએ હાથફેરો
મળતી માહિતી મુજબ, તસ્કરોએ સતલાસણા માર્કેટયાર્ડમાં ધામા નાખ્યા હતા. માર્કેટયાર્ડની અંદર આવેલી એક સાથે ચાર દુકાનોના તાળાં તોડી તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોનો કહેર માત્ર માર્કેટયાર્ડ પૂરતો સીમિત રહ્યો ન હતો. યાર્ડની બહાર આવેલા પાર્લર સહિતની અન્ય દુકાનોમાં પણ તોડફોડ કરી ચોરી કરવામાં આવી હતી.
વેપારીઓમાં ભયનો માહોલ
શિયાળાની ઠંડીનો લાભ ઉઠાવી તસ્કરોએ જે રીતે એકસાથે 6 થી વધુ દુકાનોને નિશાન બનાવી છે, તેનાથી સ્થાનિક વેપારીઓમાં રોષ અને ભય જોવા મળી રહ્યો છે. માર્કેટયાર્ડ જેવા સુરક્ષિત ગણાતા વિસ્તારમાં આ પ્રકારની ઘટના બનતા સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા થયા છે.
પોલીસ તપાસ તેજ
ઘટનાની જાણ થતા જ સતલાસણા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે માર્કેટયાર્ડ અને આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે. એફએસએલ (FSL) અને ડોગ સ્ક્વોડની મદદથી તસ્કરોનું પગેરું દબાવવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.















