અમદાવાદની સ્કૂલો, કોર્ટ અને સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મામલે મોટો ખુલાસો, પાકિસ્તાન-બાંગ્લાદેશ કનેક્શન ખૂલ્યું

અમદાવાદની શાળાઓ, મેયર ઓફિસ, ગુજરાત હાઇકોર્ટ, વિવિધ કોર્ટ સંકુલો અને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ સહિતનાં સ્થળોને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેઇલ મળવાના મામલે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે જોડાણ સામે આવ્યું હોવાનો ખુલાસો સાયબર ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં થયો છે. આ મામલે સાયબર ક્રાઇમે બે અલગ-અલગ ગુના નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં હેક થયેલા જૂના Gmail એકાઉન્ટનો ઉપયોગ કરીને ટેલિગ્રામ અને વોટ્સએપ મારફતે ધમકીભર્યા ઈમેઇલ મોકલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
વિવિધ સંકુલોને મળી હતી બોમ્બની ધમકી
તપાસ મુજબ, 7 તારીખે Denise Long અને wj ken નામની ખોટી ઓળખ ઊભી કરીને [email protected] અને [email protected] પરથી ધમકીભર્યા ઈમેઇલ મોકલવામાં આવ્યા હતા. ઈમેઇલમાં શાળાઓને નિશાન બનાવવાની ધમકી સાથે ખાલિસ્તાની લખાણોનો પણ ઉલ્લેખ હતો. આ ધમકીમાં શહેરની 10 શાળાઓ, મેયર ઓફિસ, ગુજરાત હાઇકોર્ટ, સોલા કોર્ટ, મેટ્રો કોર્ટ, અન્ય કોર્ટ સંકુલો અને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ સહિત કુલ 16 સ્થળોને નિશાન બનાવવાની વાત કરવામાં આવી હતી.
લાંબા સમયથી ચાલી રહી હતી તપાસ
આ મામલે તપાસ કરી રહેલી ટીમોએ અલગ-અલગ શાળાઓ અને કોર્ટ સંકુલોની મુલાકાત લઈને ઈમેઇલના હેડર મેળવ્યા હતા. પ્રાથમિક તપાસમાં ઈમેઇલ એકાઉન્ટ બાંગ્લાદેશ સાથે જોડાયેલા હોવાનું અને ધમકીભર્યા ઈમેઇલ બાંગ્લાદેશ તેમજ પાકિસ્તાનના રાવલપિંડીથી ઓપરેટ થયા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ 27 ઓક્ટોબર, 2026ના રોજ [email protected] પરથી ફરી ધમકીભર્યો ઈમેઇલ આવ્યો હતો. તેમાં અમદાવાદની 14 શાળાઓ, મેયર ઓફિસ દાણાપીઠ, ગુજરાત હાઇકોર્ટ, મેટ્રો કોર્ટ, ઘીકાંટા કોર્ટ, સિટી સિવિલ કોર્ટ અને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ સહિત 19 સ્થળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ મામલે પણ સાયબર ક્રાઇમે ગુનો નોંધી તપાસ કરતાં ઈમેઇલનું કનેક્શન બાંગ્લાદેશના રંગપુર અને પાકિસ્તાનના લાહોર સાથે જોડાયેલું હોવાનું સામે આવ્યું હતું.
હેક થયેલા ઈમેઇલ એકાઉન્ટ ક્રિપ્ટોકરન્સીથી ખરીદાયાં
અગાઉ ખાલિસ્તાની સંગઠનના નામે મળેલી ધમકીઓની તપાસ દરમિયાન પશ્ચિમ બંગાળમાંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછમાં તેણે હેક થયેલા Gmail એકાઉન્ટ બાંગ્લાદેશના એક શખ્સને વેચ્યા હોવાની કબૂલાત આપી હતી. ત્યારબાદ આ એકાઉન્ટ પાકિસ્તાનના શખ્સ સુધી પહોંચ્યા હતા અને તેના બદલામાં ક્રિપ્ટોકરન્સી મારફતે ચુકવણી કરવામાં આવી હતી. તપાસમાં આ એકાઉન્ટનો ઉપયોગ ભારતમાં તહેવારો અને મહત્ત્વનાં આયોજનો દરમિયાન ભયનો માહોલ ઊભો કરવા માટે કરવામાં આવતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર મામલે સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.












