મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

લ્યો બોલો! ગંદા પાણી માટે અલ-નીનો જવાબદાર, સુરત ભાજપનાં મહિલા કોર્પોરેટરની વિચિત્ર દલીલ

લ્યો બોલો! ગંદા પાણી માટે અલ-નીનો જવાબદાર, સુરત ભાજપનાં મહિલા કોર્પોરેટરની વિચિત્ર દલીલ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

સુરતમાં પીળા અને ગંદા પાણીથી લોકો પરેશાન છે, ગંદા પાણીથી રોગચાળો ફેલાતો હોવાની ફરિયાદો ઊઠી રહી છે અને ભાજપના જ કોર્પોરેટરો સામાન્ય સભામાં શુદ્ધ પાણી માટે રજૂઆત કરી રહ્યા છે. આવા સમયે ભાજપના એક કોર્પોરેટરે ગંદા પાણી માટે પાલિકાની કામગીરી નહીં પરંતુ ‘અલ નીનો’ની અસર જવાબદાર હોવાનો નવો તર્ક રજૂ કરતાં તેઓ કોર્પોરેટર છે કે હવામાનના વૈજ્ઞાનિક તેવી કટાક્ષ ભરી ચર્ચા શરૂ થઈ છે. આશ્ચર્યની વાત એ છે કે ગંદા પાણીની ફરિયાદ સાચી હોવાનું સ્વીકારવા છતાં સમસ્યા માનવસર્જિત નથી અને કોઈની ભૂલ નથી તેવો બચાવ કરવામાં આવ્યો છે.

અનેક કોર્પોરેટરોએ ગંદા પાણીની કરી રજૂઆતો

સુરતીઓને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાની જવાબદારી પાલિકાની છે ત્યારે ગંદા પાણીની સમસ્યાનો ઉકેલ શોધવાને બદલે કુદરતને જવાબદાર ઠેરવતી આ દલીલથી નવી ચર્ચા જાગી છે. સુરત પાલિકાની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટરે પોતાના વિસ્તારમાં લાંબા સમયથી પીળા રંગનું ગંદું પાણી આવતું હોવાની ફરિયાદ કરી હતી. તેમણે માત્ર પોતાના વિસ્તાર જ નહીં પરંતુ આખા શહેરમાં આવી સમસ્યા હોવાનું જણાવી દિવાળી પહેલાં કામગીરી કરવા તંત્રને ટકોર કરી હતી. અન્ય કોર્પોરેટરોએ પણ ગંદા પાણીની ફરિયાદો કરતાં પાલિકાની પાણી વિતરણ વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા હતા.

દૂષિત પાણીની સમસ્યા માટે ‘અલ નીનો’ જવાબદાર: ઉર્વશી પટેલનો બફાટ

ખાસ કરીને રાંદેર ઝોનના અનેક વિસ્તારોમાં ગંદા અને દુર્ગંધ મારતા પાણીની ફરિયાદો લાંબા સમયથી થઈ રહી છે. બીજી તરફ, ભાજપના કોર્પોરેટર અને મેયરપદના દાવેદાર રહી ચૂકેલા ઉર્વશી પટેલે સોશિયલ મીડિયા પર મૂકેલી પોસ્ટમાં ગંદા પાણીની સમસ્યા માટે ‘અલ નીનો’ની અસર જવાબદાર હોવાનું જણાવ્યું છે. તેમણે અઠવા, રાંદેર સહિત શહેરના અનેક વિસ્તારોમાં પીળા પાણીની ફરિયાદો આવતી હોવાનું અને તેનાથી રોગચાળો થતો હોવાની ફરિયાદ સાચી હોવાનું પણ સ્વીકાર્યું છે. જો કે, આ સમસ્યા માનવસર્જિત નહીં પરંતુ કુદરતી હોવાનું જણાવતાં તેમણે દાવો કર્યો છે કે અલ નીનોની અસર વિશ્વભરમાં જોવા મળી રહી છે અને તેના કારણે નદીઓના જળસ્તર ઘટી રહ્યા છે.

ક્યાં ખામી છે તે અંગે ખુલાસાની રાહ!

સુરતના પાણીનો મુખ્ય સ્ત્રોત તાપી નદી છે. અગાઉ ભરપૂર પાણી સાથે વહેતી તાપીમાં હાલમાં પાણીનું સ્તર ઘણું નીચે ગયું છે. નદીનું જળસ્તર ઘટવાથી માટીનો ભાગ પાણીમાં ભળતો હોવાથી પાણીની ગુણવત્તા પર અસર થતી હોવાની દલીલ કરતાં તેમણે કહ્યું છે કે 'કુદરતના કહેરને નિવારી શકાતો નથી અને આ સમસ્યામાં કોઈની ભૂલ નથી'. એક તરફ ભાજપના જ કોર્પોરેટરો સામાન્ય સભામાં ગંદા પાણીની સમસ્યા ઉકેલવા પાલિકા તંત્રને રજૂઆત કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ ભાજપના જ કોર્પોરેટર સમસ્યા માટે કુદરતી પરિબળોને જવાબદાર ગણાવી રહ્યા છે. ત્યારે ખરેખર તાપીના જળસ્તર અને અલ નીનોની અસરથી જ સુરતમાં પીળું પાણી આવી રહ્યું છે કે પછી પાણી શુદ્ધિકરણ અને વિતરણ વ્યવસ્થામાં ખામી છે તે અંગે પાલિકાના હાઇડ્રોલિક વિભાગનો ખુલાસાની રાહ જોવાઈ રહી છે.

અલ નીનો બાદ હવે 11 ક્યુસેકની વાત, માહિતીનો અભાવ કે બોલવામાં ભૂલ?

બીજી તરફ સુરતમાં પીળા પાણીની સમસ્યા માટે ‘અલ નીનો’ને જવાબદાર ગણાવનારા ભાજપના કોર્પોરેટર ઉર્વશી પટેલે ઉકાઈ ડેમમાંથી આગામી દિવસોમાં 11 ક્યુસેક પાણી છોડવામાં આવશે અને તેનાથી તાપીનું જળસ્તર વધતાં ગંદા પાણીની સમસ્યા ઉકેલાય જશે તેવો દાવો કર્યો છે. જોકે, હકીકત એવી છે કે તાપી નદીના વિયરમાં પાણીની ગુણવત્તા સુધારવા અગાઉ ઉકાઈમાંથી 1100 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું અને હાલમાં 1500 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આમ, હાલમાં છોડાતા પાણીના જથ્થા કરતાં અનેકગણો ઓછો જથ્થો છોડવાથી સમસ્યા ઉકેલાશે તેવી દલીલે આશ્ચર્ય સર્જાયું છે. પાણીનો જથ્થો 11 ક્યુસેક કે 1500 ક્યુસેક તે અંગેનો આટલો મોટો તફાવત માત્ર બોલવાની ભૂલ છે કે પછી માહિતીનો અભાવ તેવો સવાલ ઊભો થયો છે.

આ સમાચાર શેર કરો