મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં રખડતાં કૂતરાંના ખસીકરણનો ડેટા ક્યાં? 17 જિલ્લાની માહિતી જ રજૂ થતાં હાઈકોર્ટના સવાલ

ગુજરાતમાં રખડતાં કૂતરાંના ખસીકરણનો ડેટા ક્યાં? 17 જિલ્લાની માહિતી જ રજૂ થતાં હાઈકોર્ટના સવાલ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ગુજરાત હાઇકોર્ટે રખડતાં કૂતરાં અને ઢોર અંગે ગુજરાત સરકારે શું પગલાં લીધાં છે, તે અંગે દર 4 મહિને અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો હતો. આ મામલે ગુજરાત હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસની બેન્ચ સમક્ષ કરાયેલી સુનાવણીમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. નોંધનીય છે કે, અગાઉ સુપ્રીમ કોર્ટ નિર્દેશ આપી ચૂકી છે કે, રખડતા કૂતરા અને ઢોર મુદ્દે સંબંધિત વિભાગના ચીફ સેક્રેટરીએ સમયાંતરે કોર્પોરેશન અને નગરપાલિકાઓ સાથે સમન્વય સાધીને આ રિપોર્ટ મેળવવાનો રહેશે.

17 જિલ્લાનો જ રિપોર્ટ રજૂ થતાં અરજદારનો વિરોધ

અરજદાર તરફથી એડવોકેટ મેધા જાનીએ રજૂઆત કરી હતી કે કૂતરાંના ખસીકરણ (Sterilization) અને રસીકરણ (Vaccination) મામલે કોર્પોરેશને આપેલા ડેટા જ કોર્ટમાં રજૂ કરાયા છે. છેલ્લા 6 મહિનામાં કેટલા જિલ્લામાં કેટલાં કૂતરાંનું ખસીકરણ અને રસીકરણ થયું, તે અંગે સરકારે માત્ર 17 જિલ્લાના ડેટા રજૂ કર્યા છે, જ્યારે બાકીના 17 જિલ્લાના ડેટા સરકાર પાસે ઉપલબ્ધ નથી. અરજદારની દલીલ કરી હતી કે કૂતરાંની વસતી નિયંત્રણમાં લેવા માટે સરકાર શું પગલાં લે છે, તેની સ્પષ્ટતા પણ કોર્ટમાં કરવાની હોય છે. આ દરમિયાન કૂતરાંને કઈ રસી અપાય છે, તે કઈ કંપનીની છે અને તેનાથી કોઈ આડઅસર (Side effects) થાય છે કે નહીં- તે અંગે પણ હાઈકોર્ટે વધુ વિગતો માંગી છે.

વડોદરાના સેન્ટરનો ઉપયોગ કરાતાં અન્ય જિલ્લાનો ડેટા શૂન્ય છેઃ સરકારનો બચાવ

આ મુદ્દે ગુજરાત સરકારે રજૂઆત કરતા કહ્યું હતું કે, ‘અમારી પાસે હાલ કેટલાક જિલ્લામાં એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટર (ABC) નથી, જેના કારણે ત્યાંનો સીધો ડેટા મળી શક્યો નથી. વડોદરામાં કૂતરાંના ખસીકરણ માટે વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્ષમતા છે, જેથી આસપાસના જિલ્લામાંથી રખડતાં કૂતરાંને વડોદરા લઈ જઈને ખસીકરણ કરાયું હતું. તેથી અમુક જિલ્લાનો ડેટા શૂન્ય દર્શાવાયો છે. એનો અર્થ એવો નથી કે તે જિલ્લામાં ખસીકરણ થયું જ નથી.' સરકારે દાવો કર્યો કે ખસીકરણની કામગીરી દરેક જિલ્લામાં કરાઈ છે. આ મુદ્દે હાઇકોર્ટે સવાલ કર્યો હતો કે, ‘જો સુપ્રીમ કોર્ટમાં જવાબ આપવાનો થશે, તો શું ત્યાં પણ અમુક જિલ્લાનો ડેટા શૂન્ય દર્શાવશો?’

79,000થી વધુ સરકારી-જાહેર સંસ્થાઓમાં તપાસ અને કામગીરી

આ મુદ્દે ગુજરાત સરકારે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ રાજ્યની કુલ 79,150 ઓફિસ અને સંસ્થામાં તપાસ કરાઈ છે, જેમાં સ્કૂલો, આંગણવાડીઓ, હોસ્પિટલો, બસ ડેપો અને ગ્રામ પંચાયતોની ઓફિસો વગેરે સામેલ છે. આ વિસ્તારોમાં રખડતાં કૂતરાંનું રસીકરણ અને ખસીકરણ કરાયું છે.

આ કામગીરીના સંચાલન માટે વધુ 6-7 નોડલ ઓફિસરોની નિમણૂક કરાઈ છે. આ તમામ સંસ્થામાં નિયમિત તપાસ કરાય છે. સરકારે દાવો કર્યો છે કે રસીકરણ અને ખસીકરણ બાદ આ સંસ્થાઓના પરિસરમાં કૂતરાંની સંખ્યા વધી નથી, તેમજ 114 જેટલી શૈક્ષણિક સંસ્થાઓને સંપૂર્ણપણે રખડતાં કૂતરાંથી મુક્ત કરાઈ છે.

હાઇકોર્ટે વધુ સુનાવણી આવતા અઠવાડિયા પર મુલતવી રાખી

ગુજરાત સરકારે તમામ જિલ્લામાંથી સંપૂર્ણ ડેટા એકત્રિત કરીને કોર્ટ સમક્ષ રજૂ કરવા માટે થોડો વધુ સમય માંગ્યો હતો. ગુજરાત હાઇકોર્ટે સરકારને યોગ્ય આદેશ આપીને આ કેસની વધુ સુનાવણી આવતા અઠવાડિયે નક્કી કરી છે.

આ સમાચાર શેર કરો