મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં નકલી ડૉક્ટરોથી લઈને નકલી ઘી-દૂધ સુધીનો મુદ્દો ગાજ્યો, કુમાર કાનાણીએ આરોગ્ય મંત્રીને લખ્યો પત્ર

સુરતમાં નકલી ડૉક્ટરોથી લઈને નકલી ઘી-દૂધ સુધીનો મુદ્દો ગાજ્યો, કુમાર કાનાણીએ આરોગ્ય મંત્રીને લખ્યો પત્ર
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

સુરતમાં નકલી ડૉક્ટરો, નકલી દવાઓ, પ્રતિબંધિત પનીર તેમજ નકલી ઘી અને દૂધના વેચાણના મુદ્દે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાને પત્ર લખ્યો છે. તેમણે લોકોના આરોગ્ય અને માનવજિંદગી સાથે ચેડાં કરનારાઓ સામે કડક કાયદાકીય પગલાં ભરવાની માગ કરી છે. આવી ગેરરીતિઓને માત્ર આર્થિક ગુના તરીકે જોવાને બદલે જાહેર આરોગ્ય અને માનવજીવન સાથે જોડાયેલા ગંભીર મુદ્દા તરીકે ધ્યાનમાં લેવાની રજૂઆત પણ કરી છે.

મજબુત કાયદો નહી હોવાથી બેફામ પ્રવૃતિઓ ધમધમતી હોવાનો દાવો

કુમાર કાનાણીએ પત્રમાં જણાવ્યું છે કે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોવા છતાં નકલી ડૉક્ટરો, નકલી દવાઓ અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોના કિસ્સાઓ સામે આવતા રહે છે. પ્રતિબંધિત પનીર, નકલી ઘી અને દૂધના વેચાણ જેવી પ્રવૃત્તિઓ લોકોના સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરી શકે છે. તેમના મતે, આવી ગેરરીતિઓ પર અંકુશ મૂકવા માટે આરોગ્ય વિભાગ પાસે પૂરતી કડક કાયદાકીય જોગવાઈઓ હોવી જરૂરી છે. વિભાગના અધિકારીઓ કાર્યવાહી કરતા હોવા છતાં કાયદાકીય જોગવાઈઓની મર્યાદાને કારણે આવા તત્ત્વો સામે અસરકારક કાર્યવાહી કરવામાં મુશ્કેલી પડતી હોવાનો મુદ્દો તેમણે ઉઠાવ્યો છે.

માનવવધ સહિતની ગંભીર કલમો વાપરવા અપીલ

ધારાસભ્યએ નકલી દવાઓનું વેચાણ કરનારાઓ, ગેરકાયદે તબીબી પ્રેક્ટિસ કરતા લોકો અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો વેચીને લોકોના જીવ જોખમમાં મૂકનારાઓ સામે કડક પગલાં ભરવાની માગ કરી છે. ગુનાની ગંભીરતા અને પુરાવાના આધારે હત્યા સહિતની લાગુ પડતી કાયદાકીય જોગવાઈઓ હેઠળ કાર્યવાહી થઈ શકે તેવી વ્યવસ્થા કરવાની તેમણે રજૂઆત કરી છે. આ ઉપરાંત, ફરજમાં બેદરકારી દાખવતા, ભ્રષ્ટાચાર કરતા અને કામગીરીમાં નિષ્ક્રિય રહેતા અધિકારીઓની જવાબદારી નક્કી કરીને તેમની સામે પણ કડક પગલાં ભરવાની માગ કરવામાં આવી છે. જરૂર જણાય ત્યાં સસ્પેન્શન સહિતની કાર્યવાહી કરવાની રજૂઆત પણ પત્રમાં કરવામાં આવી છે.

જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીની માગ

કુમાર કાનાણીએ નકલી ડૉક્ટરો અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો સામેની કાર્યવાહી વધુ અસરકારક બનાવવા તથા ગુનેગારોમાં કાયદાનો ભય રહે તેવી વ્યવસ્થા ઊભી કરવા પર ભાર મૂક્યો છે. હવે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા આ રજૂઆતના પગલે શું પગલાં લે છે તેના પર નજર રહેશે. જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીની પણ તેમણે માગણી કરી હતી.

આ સમાચાર શેર કરો