મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં દિવાળી પહેલાં ખળભળાટ! ગોમતીપુરમાં 40 હજાર કિલો શંકાસ્પદ માવો ઝડપાયો

અમદાવાદમાં દિવાળી પહેલાં ખળભળાટ! ગોમતીપુરમાં 40 હજાર કિલો શંકાસ્પદ માવો ઝડપાયો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

દિવાળીના તહેવાર પહેલાં અમદાવાદમાં નકલી પનીર, સોસ પછી હવે શંકાસ્પદ માવાનો જથ્થો ઝડપાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે ગોમતીપુર વિસ્તારમાં આવેલા કોલ્ડ સ્ટોરેજમાં તપાસ દરમિયાન મીઠાઈ બનાવવા માટે વપરાતા શંકાસ્પદ માવાનો 40 હજાર કિલો જથ્થો પકડી પાડ્યો છે. આ જથ્થો રાધિકા ફૂડ પ્રોડક્ટ નામની મીઠાઈ બનાવતી કંપનીનો હોવાનું ફૂડ વિભાગની તપાસમાં સામે આવ્યું છે. માવા પર બેચ નંબર અને એક્સપાયરી તારીખ લખેલી ન હોવાથી ફૂડ વિભાગે તેનો નમૂનો લઈને તપાસ માટે સેન્ટ્રલ લેબોરેટરીમાં મોકલ્યો છે. અગાઉ નકલી સોસ અને નકલી પનીર મોટી માત્રામાં પકડાયો હતો.

અમદાવાદ ભેળસેળિયાઓનું હબ!

દિવાળીના તહેવારમાં મીઠાઈની માગ વધતી હોવાથી ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને શુદ્ધતા અંગે સવાલો ઊભા થયા છે. શહેરમાં અગાઉ મોટા પ્રમાણમાં બનાવટી ટોમેટો સોસ અને નકલી પનીરનો જથ્થો ઝડપાયો હતો. હવે માવાનો 40 હજાર કિલોનો શંકાસ્પદ જથ્થો સામે આવતાં અમદાવાદ ભેળસેળિયાઓનું હબ બની રહ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. જોકે, હાલ માવામાં ભેળસેળ થઈ હોવાનું લેબોરેટરીના અહેવાલ બાદ જ સ્પષ્ટ થશે.

ફૂડ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે, તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં વિવિધ સ્થળોએ તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસ દરમિયાન ગોમતીપુરના કોલ્ડ સ્ટોરેજમાંથી મીઠાઈ બનાવવા માટે વપરાતા માવાનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. સ્થગિત કરવામાં આવેલા જથ્થા પર બેચ નંબર અને એક્સપાયરી તારીખ લખેલી ન હતી. માવાનો નમૂનો લઈને વધુ તપાસ માટે સેન્ટ્રલ લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યો છે. લેબોરેટરીનો અહેવાલ આવ્યા બાદ માવાની ગુણવત્તા અંગે વધુ સ્પષ્ટતા થશે.

આ માવાથી ઇન્ડિયન ડેઝર્ટ અને રજવાડી સ્વીટ જેવી પ્રીમિયમ મીઠાઈઓ તૈયાર થતી હતી

પ્રાપ્ત માહિતી અનુસાર, રાધિકા ફૂડ પ્રોડક્ટ્સ દ્વારા આ માવાનો ઉપયોગ ઇન્ડિયન ડેઝર્ટ અને રજવાડી સ્વીટ જેવી પ્રીમિયમ મીઠાઈઓ તૈયાર કરવા માટે કરવામાં આવતો હતો. અત્રે નોંધનીય છે કે, ગોમતીપુર વિસ્તારમાં આવેલા વિવિધ કોલ્ડ સ્ટોરેજમાં મીઠાઈના નાના-મોટા વેપારીઓ દ્વારા મોટા પાયે કાચા માવાનો સંગ્રહ કરવામાં આવતો હોય છે.

દિવાળીની સિઝનને પહોંચી વળવા માટે અંદાજિત 15 થી 20 જેટલા વેપારીઓ દ્વારા 1,00,000 કિલો કરતાં પણ વધારે માવો અગાઉથી સ્ટોક કરીને રાખવામાં આવે છે. આટલા પ્રમાણમાં થતા સંગ્રહને જોતા ફૂડ વિભાગ દ્વારા આગામી દિવસોમાં હજુ પણ વધુ ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.

આ સમાચાર શેર કરો