Video: અમદાવાદમાં ફટાકડા ઉત્પાદન અને વેચાણ અંગે પોલીસનો સપાટો: 4 ઉત્પાદન લાયસન્સ રદ કર્યા

અમદાવાદમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ફટાકડાના ઉત્પાદન અને વેચાણને લઈને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફટાકડાના ઉત્પાદન માટે અગાઉ આપવામાં આવેલા છ પરવાનામાંથી ચાર લાઇસન્સ રદ કરવામાં આવ્યા છે, જ્યારે બે લાઇસન્સ મોકૂફ રાખવામાં આવ્યા છે. ફટાકડાના કાયમી વેચાણ માટેના 151 લાઇસન્સમાંથી 129ને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે 17 વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. હંગામી વેચાણની પરવાનગી માટે આવેલી 96 અરજીઓમાંથી 14ને મંજૂરી મળી છે અને અન્ય અરજીઓ અંગે પ્રક્રિયા ચાલુ છે. પોલીસ દ્વારા ફટાકડાના વેચાણ દરમિયાન તમામ નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે અને લાઇસન્સ વગર વેચાણ કરનાર સામે કાર્યવાહી કરાશે. રામોલમાં ફટાકડાના કારખાનામાં થયેલા બ્લાસ્ટ બાદ ફટાકડાના ઉત્પાદન માટે કોઈ નવી મંજૂરી આપવામાં આવી નથી.








