Video/ બોડેલીની પ્રાથમિક શાળામાં બાળકોના હાથમાં પુસ્તકોને બદલે ઝાડુ, વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવતા શિક્ષકો
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાંથી શિક્ષણ જગતને શરમાવે તેવી એક ઘટના

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાંથી શિક્ષણ જગતને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. ઓરવાડા ગામની પ્રાથમિક શાળામાં નિર્દોષ બાળકોના ભવિષ્ય સાથે ચેડાં થતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. જે બાળકોના હાથમાં પેન અને પુસ્તકો હોવા જોઈએ, તેમના હાથમાં શાળાના શિક્ષકોએ ઝાડુ અને ડોલ પકડાવી દીધા છે.
શિક્ષકોની હાજરીમાં બાળકો પાસે સફાઈ કામ
પ્રાપ્ત વિગતો અનુસાર, ઓરવાડા ગામની પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં ઉગી નીકળેલા નાના ઝાડ અને કચરાની સફાઈ કરવા માટે શિક્ષકોએ બાળકોને મજબૂર કર્યા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે, શિક્ષકો પોતે ઉભા રહીને બાળકો પાસે મજૂરી જેવું કામ કરાવી રહ્યા હતા. બાળકો કમ્પાઉન્ડમાં પડેલો કચરો ડોલમાં ભરીને દૂર સુધી નાખવા જતા કેમેરામાં કેદ થયા હતા.
પીવાના પાણીની પરબ પણ બાળકોએ સાફ કરવી પડી
માત્ર મેદાનની સફાઈ જ નહીં, પરંતુ શાળામાં આવેલી પીવાના પાણીની પરબની સફાઈ પણ બાળકો પાસે જ કરાવવામાં આવી હતી. શાળાના કામોમાં બાળકોનો આ રીતે ઉપયોગ થતા ગ્રામજનો અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગંભીર સવાલો
આ ઘટના બાદ શિક્ષણ વિભાગ સામે અનેક ગંભીર સવાલો ઉભા થયા છે:
-
શું બાળકો શાળાએ ભણવા આવે છે કે મજૂરી કરવા?
-
શું આ રીતે બાળકો પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકશે?
-
જે શિક્ષકો પર બાળકોના ઘડતરની જવાબદારી છે, તેઓ જ કેમ બાળકો પાસે આવા શરમજનક કામ કરાવે છે?
આ પ્રકારની ઘટનાઓથી શિક્ષણની ગુણવત્તા અને શાળાના વાતાવરણ પર નકારાત્મક અસર પડે છે. હવે જોવાનું એ રહે છે કે શિક્ષણ વિભાગ આ બેજવાબદાર શિક્ષકો સામે કેવા પ્રકારના પગલાં લે છે.















