પ્રિસ્ક્રિપ્શન વગર યુવાનોને પીરસાઈ રહ્યો હતો નશો: સુરતની ફાર્મસી પર ત્રાટકી ટીમ, 560 કેપ્સ્યુલ સાથે ભાંડો ફૂટ્યો!

સામાન્ય રીતે અસહ્ય દુખાવામાં તબીબી દેખરેખ હેઠળ અપાતી 'ટ્રોસ્પાસ પ્લસ' કેપ્સ્યુલનો સુરતમાં નશા તરીકે દુરુપયોગ થતો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કેપ્સ્યુલમાં ટ્રામાડોલ હાઇડ્રોક્લોરાઇડ, ડાયસાયક્લોમાઇન હાઇડ્રોક્લોરાઇડ અને એસિટામિનોફેન જેવા ઘટકો હોય છે. ટ્રામાડોલ એક અસરકારક પીડાશામક દવા છે, જેનો ઉપયોગ તબીબી દેખરેખ હેઠળ કરવામાં આવે છે. ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના આ પ્રકારની દવાઓનું વેચાણ કરવું કાયદાકીય ગુનો છે. તેમ છતાં, યુવાનોમાં નશાની લત સંતોષવા માટે સુરતના કેટલાક મેડિકલ સ્ટોર્સ દ્વારા નફાખોરી ખાતર નિયમો નેવે મૂકીને તેનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.
ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર હાઈ-ડોઝ દવાનું વેચાણ કરતી ફાર્મસી પર પોલીસ-ડ્રગ્સ વિભાગના દરો
સુરતના ઈચ્છાપોર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી કે, મોરા ગામના મોટા વાડા વિસ્તારમાં ભટલાઈ રોડ પર આવેલી 'ગણેશ ફાર્મસી'માં ડૉક્ટરની ચિઠ્ઠી વિના નશા માટે ઉપયોગમાં લેવાતી દવાઓ અપાઈ રહી છે. આ બાતમીના આધારે પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સાથે રાખીને મેડિકલ સ્ટોર પર દરોડો પાડ્યો હતો. ટીમે સ્થળ પર સઘન ઇન્સ્પેક્શન કરતાં નિયમોના ખુલ્લેઆમ ઉલ્લંઘન કરીને રાખવામાં આવેલી ₹4,500ની કિંમતની કુલ 560 નંગ ટ્રોસ્પાસ પ્લસ કેપ્સ્યુલ્સ મળી આવી હતી, જેને સ્થળ પરથી જપ્ત કરવામાં આવી હતી.
પોલીસે તપાસ હાથ ધરી
દરોડા દરમિયાન ઝડપાયેલા દવાના જથ્થાને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ દવાઓ ક્યાંથી ખરીદવામાં આવી હતી અને કયા ગ્રાહકોને ગેરકાયદે વેચવામાં આવતી હતી, આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા નિયમભંગની તપાસ પૂર્ણ થયા બાદ ગેરરીતિ જણાશે તો મેડિકલ સ્ટોરના લાયસન્સ ધારક તેમજ સંચાલક વિરુદ્ધ કડક કાનૂની પગલાં ભરવામાં આવશે. તેમજ સ્ટોરનું લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાશે.








