હોંગકોંગ સિક્સીસ 2026માં ટીમ ઈન્ડિયાની વધુ એક હાર, પાકિસ્તાન બાદ UAE સામે નિષ્ફળ ગયા ખેલાડીઓ

હોંગકોંગ સિક્સીસ 2026માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું છે. કૃણાલ પંડ્યાના નેતૃત્વ હેઠળની ટીમ ઈન્ડિયા પહેલા પાકિસ્તાન સામે હારી ગઈ. હવે UAEએ પણ 6 ઓવરની મેચમાં ભારતને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાનો બેટિંગ ઓર્ડર ખરાબ રીતે નિષ્ફળ ગયો અને UAEએ સરળતાથી ટાર્ગેટ ચેઝ કરીને 6 વિકેટ અને 10 બોલ રહેતા જીત મેળવી. આ સાથે ટીમ ઈન્ડિયાનું સેમીફાઈનલમાં પહોંચવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે.
ટીમ ઈન્ડિયાને વધુ એક હારનો સામનો કરવો પડ્યો
30 ઓક્ટોબરે પાકિસ્તાને ટીમ ઈન્ડિયા સામે 4 વિકેટથી વિજય મેળવ્યો. ભારતની હારથી ઘણા ફેન્સ ખૂબ જ નિરાશ થયા હતા. 31 ઓક્ટોબરે ભારત અને UAE વચ્ચે અંતિમ ગ્રુપ સ્ટેજ મેચ જોવા મળી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરી. નીતીશ રાણા અને રાહુલ ત્રિપાઠી ઈનિંગ ઓપન કરવા આવ્યા. નીતીશ એક સિક્સ ફટકારીને પવેલિયન પરત ફર્યો.
રાહુલ ત્રિપાઠી સારો દેખાઈ રહ્તાયો હતો, પરંતુ તે પણ 7 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો. રાહુલ તેવતિયા અને શશાંક સિંહ 1-1 રન બનાવીને આઉટ થયા. કેપ્ટન કૃણાલ પંડ્યાએ બે ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા, પરંતુ તે પોતાની ઇનિંગને આગળ ન વધારી શક્યો. તે 8 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો.
ફાસ્ટ બોલર ટી નટરાજને અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું, 14 બોલમાં 38 રન બનાવ્યા. આ ઈનિંગમાં, નટરાજને 271.43 ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી, જેમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. ટીમ ઈન્ડિયાએ 6 ઓવરમાં 94 રન બનાવ્યા. ઝાહિદ અલીએ 3 વિકેટ, મોહમ્મદ ફારૂકે 1 વિકેટ અને મોહમ્મદ ફરાઝુદ્દીને 1 વિકેટ લીધી.
UAEને મેચ જીતવા માટે 95 રનની જરૂર હતી. ઓપનર ખાલિદ શાહ અને અંશ ટંડને શાનદાર બેટિંગ કરી. કેપ્ટન ખાલિદે 14 બોલમાં 52 રન બનાવ્યા, જ્યારે અંશ ટંડને 12 બોલમાં 39 રન બનાવ્યા. ટીમ ઈન્ડિયાના બોલર્સ એક પણ વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા, અને UAEએ 4.2 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરીને 6 વિકેટથી વિજય મેળવ્યો.









