Video: ડીસા ગ્રામ્યમાંથી 500 કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું, લાંબા સમયથી ધમધમતી હતી ફેક્ટરી
બનાસકાંઠા જિલ્લામાં ગુણવત્તા વિહોણા ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા તત્વો સામે SOG (Special Operatio
બનાસકાંઠા જિલ્લામાં ગુણવત્તા વિહોણા ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા તત્વો સામે SOG (Special Operations Group) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ડીસા ગ્રામ્ય વિસ્તારમાં આવેલા એક સ્થળે SOGની ટીમે વહેલી સવારે દરોડા પાડીને શંકાસ્પદ ઘીની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે.
લાંબા સમયથી ધમધમતી હતી ફેક્ટરી
પ્રાપ્ત માહિતી અનુસાર, ડીસાના ગ્રામ્ય વિસ્તારમાં આ ફેક્ટરી લાંબા સમયથી ધમધમતી હતી અને અહીં મોટા પાયે શંકાસ્પદ ઘીનું ઉત્પાદન થતું હતું. SOGની ટીમે ચોક્કસ બાતમીના આધારે વહેલી સવારે રેડ કરી હતી. આ દરોડા દરમિયાન ટીમે સ્થળ પરથી અંદાજિત 500 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ તમામ મુદ્દામાલ જપ્ત કરીને SOG દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
ફૂડ વિભાગની કામગીરી સામે સવાલ
આ ગેરકાયદેસર ફેક્ટરી ઘણા સમયથી ચાલતી હોવા છતાં ફૂડ વિભાગ અજાણ કે નિષ્ક્રિય રહ્યું હતું. આ મુદ્દે સખત આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક જિલ્લાનું ફૂડ વિભાગ ઊંઘતું રહ્યું અને SOGએ આ ફેક્ટરી ઝડપી પાડી, જેના કારણે ફૂડ વિભાગની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે.
વધુ વિગતો આવવાની બાકી
SOGની આ કાર્યવાહી બાદ હવે મુદ્દામાલના સેમ્પલ લેવાશે અને તેની તપાસ કરવામાં આવશે. આ મામલે વધુ મુદ્દામાલ, ફેક્ટરી ચલાવતા આરોપીઓ અને આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય લોકોની વિગતો ટૂંક સમયમાં સામે આવે તેવી શક્યતા છે.














