Video: બાવળાના કેસરડી ગામ નજીક અકસ્માત બાદ ટોળાનો હોબાળો, 3 ડમ્પરો સળગાવ્યાં; અન્ય વાહનોમાં તોડફોડ

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કેસરડી ગામ નજીક બાઈક અને ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતાં બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. રોષે ભરાયેલા ટોળાએ રોડ પરથી પસાર થતાં ખનીજ ભરેલા ડમ્પરોને અટકાવી હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન ત્રણ ડમ્પરોને આગ ચાંપી દેવામાં આવી હતી, જ્યારે અન્ય ત્રણ જેટલાં ડમ્પરોમાં તોડફોડ કરવામાં આવી હતી. ઘટનાને પગલે કેરાળા-નળ સરોવર રોડ પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.
અકસ્માતમાં યુવકનું ઘટનાસ્થળે જ મોત
મળતી માહિતી મુજબ, કેસરડી ગામ નજીક બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ધોલેરા તાલુકાના દેવ ધોલેરા ગામના પ્રવીણભાઈ મકવાણાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. યુવકના મોતના સમાચાર મળતાં જ સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો. ત્યારબાદ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને રોડ પરથી પસાર થતાં ખનીજ ભરેલા ડમ્પરોને અટકાવ્યાં હતાં.
રોષે ભરાયેલા ટોળાએ ડમ્પરોને આગ ચાંપી
અકસ્મિક મોત બાદ ઉશ્કેરાયેલા ટોળાએ ત્રણ ડમ્પરોને આગ ચાંપી દીધી હતી. આ ઉપરાંત અન્ય ત્રણ જેટલાં ડમ્પરોમાં તોડફોડ કરવામાં આવી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. કેરાળા-નળ સરોવર રોડ પર ચક્કાજામની સ્થિતિ ઊભી થતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો
ઘટનાની જાણ થતાં કેરાળા પોલીસ, નળ સરોવર પોલીસ અને ધોળકાના ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ, આગ પર કાબૂ મેળવવા ખાનગી કંપનીના ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવ્યો હતો.
ગેરકાયદે ખનનની આશંકાએ ખાણ-ખનીજ વિભાગની તપાસ
ડમ્પરોમાં ખનીજ ભરેલું હોવાને કારણે ગેરકાયદે ખનનની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ મામલે તપાસ કરવા અમદાવાદ જિલ્લાના ખાણ-ખનીજ વિભાગની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ હતી. જોકે, ખનન ગેરકાયદે હતું કે નહીં તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
હાલ પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લઈને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ, ડમ્પરોમાં આગ લગાડવા અને તોડફોડ કરવા પાછળ જવાબદાર લોકો સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.















