સિંધુ ભવન રોડ પર નવું આકર્ષણ, 175 મીટર ઊંચા ટાવરમાં મળશે સ્કાયવોકનો અનુભવ, સિટી સ્ક્વેરનું ટેન્ડર બહાર પડાયું

અમદાવાદ શહેરને આગવી ઓળખ આપતા આઇકોનિક સ્ટ્રક્ચર તરીકે સિંધુ ભવન રોડ પર 'અમદાવાદ સિટી સ્ક્વેર' વિકસાવવાની જાહેરાત વર્ષ 2024-25ના બજેટમાં કરવામાં આવી હતી. જોકે, જાહેરાતના બે વર્ષ બાદ હવે આ પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. બોડકદેવ વિસ્તારમાં બનનારા આ સિટી સ્ક્વેરમાં 175 મીટર ઊંચો આઇકોનિક ટાવર, રેસ્ટોરન્ટ, ટેરેસ ડેક કેફે, સ્કાય ડેક અને સ્કાય વોક સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવશે. આ ઉપરાંત, 50 કોમર્શિયલ દુકાનો, આર્ટ ગેલેરી, ફૂડ કોર્ટ, એમ્ફીથિયેટર અને પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવશે. કોન્ટ્રાક્ટરને કામ સોંપાયા બાદ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે 42 મહિના એટલે કે સાડા ત્રણ વર્ષની સમયમર્યાદા રાખવામાં આવી છે.
અમદાવાદ શહેરનો પેનોરેમિક નજારો જોઈ શકાશે
સિટી સ્ક્વેર પ્રોજેક્ટનું મુખ્ય આકર્ષણ 175 મીટર ઊંચો આઇકોનિક ટાવર હશે. ટાવરની ટોચે સ્કાય ડેક અને સ્કાય વોક બનાવવાનું આયોજન છે. ત્યાંથી અમદાવાદ શહેરનો પેનોરેમિક નજારો જોઈ શકાશે. વ્યુ ગેલેરીમાં એકસાથે આશરે 50થી 75 મુલાકાતીઓ માટે વ્યવસ્થા રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. ટાવરના આશરે 40 મીટરની ઊંચાઈએ રેસ્ટોરન્ટ અને તેની ઉપર ટેરેસ ડેક કેફે બનાવવામાં આવશે. આ ઉપરાંત, ટાવરના 40થી 175 મીટરની ઊંચાઈ વચ્ચે વિશાળ ડિજિટલ સ્ક્રીન વિકસાવવામાં આવશે, જેના પર ડિજિટલ જાહેરાતો પ્રદર્શિત કરી શકાશે.
ત્રણ બેઝમેન્ટમાં પાર્કિંગ, સામેના પ્લોટમાં પણ વ્યવસ્થા
સિટી સ્ક્વેરમાં જમીનથી આશરે 15 મીટર ઊંડાઈએ ત્રણ બેઝમેન્ટ બનાવવાનું આયોજન છે. બેઝમેન્ટ-1માં 195 કાર, બેઝમેન્ટ-2માં 190 કાર અને બેઝમેન્ટ-3માં 1,109 ટુ-વ્હીલર માટે પાર્કિંગની સુવિધા ઊભી કરાશે. આ ઉપરાંત, સિટી સ્ક્વેરની સામે આવેલા કોર્પોરેશનના અન્ય પ્લોટમાં વધારાની 450 કાર પાર્ક કરી શકાય તેવી વ્યવસ્થા રાખવામાં આવી છે.
50 કોમર્શિયલ દુકાનો અને અર્બન પ્લાઝા
પ્રોજેક્ટના લોઅર ગ્રાઉન્ડમાં દુકાનો અને આર્ટ ગેલેરી વિકસાવવામાં આવશે. લોઅર ગ્રાઉન્ડ, અપર ગ્રાઉન્ડ અને ગ્રાઉન્ડ ફ્લોરમાં કુલ 50 કોમર્શિયલ દુકાનો બનાવવાનું આયોજન છે. અપર ગ્રાઉન્ડ ખાતે ચારેય ખૂણે ફૂડ કિઓસ્ક, ફૂડ કોર્ટ, ગાર્ડન, બેસવાની વ્યવસ્થા અને વોટર ફાઉન્ટેન સાથે અર્બન પ્લાઝા બનાવવામાં આવશે. અહીં આશરે 308થી 310 વ્યક્તિઓની બેઠક ક્ષમતા ધરાવતું એમ્ફિથિયેટર પણ વિકસાવવામાં આવશે. ગ્રાઉન્ડ ફ્લોરના આશરે 5,990 ચોરસ મીટર વિસ્તારમાં પ્લાન્ટેશન અને લેન્ડસ્કેપિંગનું આયોજન કરવામાં આવ્યું છે.
સોલર ટ્રી અને 17 લિફ્ટની સુવિધા ઊભી કરાશે
બિલ્ડિંગમાં વીજળી ઉત્પન્ન કરવા માટે સોલર ટ્રી બનાવવાનું આયોજન છે, જેના દ્વારા ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ બિલ્ડિંગમાં કરવામાં આવશે. સમગ્ર બિલ્ડિંગમાં કુલ 17 લિફ્ટ રાખવામાં આવશે. તેમાંથી ચાર લિફ્ટ મુલાકાતીઓ માટે, એક રેસ્ટોરન્ટની સર્વિસ માટે અને 12 લિફ્ટ બેઝમેન્ટ પાર્કિંગથી ગ્રાઉન્ડ ફ્લોર સુધી અવરજવર માટે હશે. મુલાકાતીઓ માટેની ચાર લિફ્ટમાંથી બે લિફ્ટ ટાવરની ટોચે આવેલી વ્યુ ગેલેરી સુધી પહોંચે તેવી જોગવાઈ રાખવામાં આવશે.
ટેન્ડર પહેલાં ઓરિએન્ટેશન અને બે પ્રિ-બીડ મીટિંગ
આ પ્રોજેક્ટ શહેરની આગવી ઓળખ સાથે જોડાયેલો હોવાથી ટેન્ડર પ્રક્રિયા દરમિયાન કામ કરવા ઇચ્છુક કોન્ટ્રાક્ટરો માટે ઓરિએન્ટેશન મીટિંગ યોજવાનું આયોજન છે. આ બેઠકમાં પ્રોજેક્ટની ટેકનિકલ અને અન્ય વિગતો સમજાવવામાં આવશે. ટેન્ડર ફાઇનલ કરતાં પહેલાં બે પ્રિ-બીડ મીટિંગ પણ યોજવામાં આવશે, જેથી કોન્ટ્રાક્ટરોને પ્રોજેક્ટ અંગે સ્પષ્ટતા મળી શકે અને યોગ્ય કોન્ટ્રાક્ટરની પસંદગી કરવામાં મદદ મળે.
12,091 ચોરસ મીટર વિસ્તારમાં બિલ્ડિંગનું બાંધકામ કરાશે
સિટી સ્ક્વેર માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કુલ 13,144.40 ચોરસ મીટર પ્લોટ એરિયા ફાળવવામાં આવ્યો છે. રસ્તાનો વિસ્તાર બાદ કરતાં આશરે 12,091 ચોરસ મીટર વિસ્તારમાં બિલ્ડિંગનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ અહીં જાહેર સુવિધાઓ, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને કોમર્શિયલ પ્રવૃત્તિઓનું કેન્દ્ર ઊભું કરવાનો હેતુ છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવશે અને ત્યારથી 42 મહિનામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો રહેશે.














