મુખ્ય સામગ્રી પર જાઓ

Ahmedabad / વિવાદો બાદ તંત્ર સફાળું જાગ્યું: મકરબા-કોર્પોરેટ રોડ બ્રિજના ચાર રસ્તે સિગ્નલ નાખવાની કામગીરી શરૂ, વાહનચાલકોને મળશે મોટી રાહત

Ahmedabad / વિવાદો બાદ તંત્ર સફાળું જાગ્યું: મકરબા-કોર્પોરેટ રોડ બ્રિજના ચાર રસ્તે સિગ્નલ નાખવાની કામગીરી શરૂ, વાહનચાલકોને મળશે મોટી રાહત
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમદાવાદના મકરબાથી કોર્પોરેટ રોડને જોડતા નવતર ઓવરબ્રિજનું લોકાર્પણ થયું, ત્યારથી જ સતત વિવાદોના ઘેરામાં રહ્યો છે. બ્રિજ કોર્પોરેટ રોડના ચાર રસ્તે જ પૂરો થતો હોવાને કારણે અહીં સર્જાતી ગંભીર અકસ્માતની સંભાવનાઓ અને ભારે ટ્રાફિકજામને પગલે તંત્રની બેદરકારી સામે અગાઉ અનેક સવાલો ઉઠ્યા હતા. જોકે, આ વિવાદ વચ્ચે હવે તંત્ર તરફથી મોટો સુધારો કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે અને ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેનાથી આગામી સમયમાં વાહનચાલકોને 200 મીટરના વધારાના ફેરામાંથી મોટી રાહત મળશે.

પહેલા જ દિવસથી પોલીસની રજૂઆત છતાં તંત્રએ કર્યા આંખ આડા કાન

સૂત્રોના જણાવ્યાનુસાર, બ્રિજ શરૂ થયો એ જ દિવસે પોલીસ વિભાગ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને લેખિતમાં સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી હતી કે આ ચાર રસ્તે ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવે જેથી નાગરિકોને અવરજવરમાં મુશ્કેલી ન સર્જાય. પરંતુ પાલિકા તંત્રએ તે સમયે આ બાબતને ગંભીરતાથી ન લેતા બ્રિજ શરૂ થતાં જ ભારે ટ્રાફિકજામ અને હોબાળો મચી ગયો હતો. પરિસ્થિતિ એટલી વણસી હતી કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ, નેતાઓ અને પાલિકાના પદાધિકારીઓને દોડતા થવું પડ્યું હતું. અકસ્માતનું જોખમ ઘટાડવા માટે તાત્કાલિક ધોરણે 'કેપ્સુલ સિસ્ટમ' લાગુ કરાઈ હતી, જેના કારણે વાહનચાલકોએ પ્રહલાદનગર તરફ જવા માટે 200 મીટરનો લાંબો ફેરો મારવો પડતો હતો.નકશા જુઓ

'ઈગો'ની લડાઈમાં પ્રજા હેરાન?

બ્રિજ શરૂ થયો ત્યારથી લઈને અત્યાર સુધી પોલીસ તંત્ર દ્વારા 3થી 4 વખત કોર્પોરેશનના અલગ-અલગ અધિકારીઓને મૌખિક અને લેખિતમાં સિગ્નલ લગાવવાની માગ કરાઈ હતી. પરંતુ, 'જો તરત અમલ કરીશું તો આપણી ભૂલ સ્વીકારાઈ જશે અને નાક કપાઈ જશે' તેવા અહમ અને લાપરવાહીના કારણે પાલિકા તંત્ર લાંબા સમય સુધી કુંભકર્ણની નિદ્રામાં રહ્યું હતું. આખરે સતત વિવાદો અને અહેવાલો બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને ચાર રસ્તા પર સિગ્નલ લગાવવાની કામગીરીનો આરંભ કર્યો છે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની પ્રતિક્રિયા

આ સમગ્ર બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું છે કે, 'શુક્રવારે (30મી ઓક્ટોબર) સ્થળ પર સામાન ઉતારી દેવામાં આવ્યો છે અને કામગીરી ચાલુ કરી દેવાઈ છે. આગામી થોડા સમયમાં આ કામ પૂરું થયા બાદ અહીં સિગ્નલ સિસ્ટમ વિધિવત રીતે કાર્યરત કરી દેવામાં આવશે, જેથી વાહનચાલકોનો પ્રવાસ વધુ સુરક્ષિત અને સરળ બનશે.'

આ સમાચાર શેર કરો