મુખ્ય સામગ્રી પર જાઓ

Video: "આ લડાઈ કોંગ્રેસ-ભાજપ વચ્ચેની નથી, દેશની લોકશાહી બચાવવાની છે!" રણદીપ સુરજેવાલાનો અમદાવાદથી હુંકાર

સોર્સ: gstv

દિલ્હીના રામલીલા મેદાન ખાતે યોજાનારી વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયા' (INDIA) ની વિશાળ રેલી પૂર્વે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ રણદીપ સિંહ સુરજેવાલાએ અમદાવાદ ખાતે પત્રકારોને સંબોધતા કેન્દ્રની ભાજપ સરકાર અને ચૂંટણી પ્રક્રિયા સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ લડાઈ માત્ર સત્તા કે પક્ષો વચ્ચેની નથી પરંતુ દેશના બંધારણ અને લોકશાહીના અસ્તિત્વને બચાવવા માટેની છે.

અમદાવાદ ખાતે નિવેદન આપતાં રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે, "આ રેલી કોંગ્રેસ અને ભાજપ વચ્ચેની લડાઈ નથી, પરંતુ આ દેશની લોકશાહીને બચાવવાની લડાઈ છે. મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, મૌલાના અબુલ કલામ આઝાદ અને બાબાસાહેબ ભીમરાવ આંબેડકરે આપણને જે મતાધિકાર આપ્યો હતો, તેને મોદી સરકાર હવે છીનવી રહી છે."

મતદાર યાદીમાં ગેરરીતિઓનો ગંભીર આક્ષેપ કરતાં તેમણે ઉત્તર પ્રદેશના સંદર્ભમાં 'પીલીભીત મોડેલ'નો ઉલ્લેખ કર્યો હતો. સુરજેવાલાએ જણાવ્યું કે, "આજે સવારે જ એક નવું 'પીલીભીત મોડેલ' સામે આવ્યું છે. આ કહેવાતા પીલીભીત મોડેલ હેઠળ, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પૂર્ણ થયા પછી પણ લોકોની મરજી મુજબ મતદારોનાં નામ, પિતાનાં નામ અને સરનામાં ગમે ત્યારે બદલી શકાય છે. જ્યાંથી અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે મત કાઢી (ડિલીટ કરી) નાખવામાં આવે છે."

આખરમાં તેમણે જણાવ્યું કે વિપક્ષે આ અન્યાય સામે લડત આપવાનો મક્કમ સંકલ્પ લીધો છે. તેમણે ઉમેર્યું હતું કે, "અમે એવો સંકલ્પ લીધો છે કે આ કોઈ રાજકીય પક્ષો વચ્ચેની સ્પર્ધા નથી, પરંતુ દેશની સામાન્ય જનતા અને ભાજપ વચ્ચેનો સીધો સંગ્રામ છે."

આ સમાચાર શેર કરો