અમદાવાદ એરપોર્ટ પર ઓલા-ઉબર રાઇડ મેળવવા ફેક GPSનો ખેલ, ટેક્સી ડ્રાઇવરનો ફોટો વાપરી નકલી ID બનાવી

અમદાવાદમાં રાઇડ-બુકિંગ એપ પર નકલી ડ્રાઇવર પ્રોફાઇલ બનાવી અન્ય વ્યક્તિના ફોટાનો ઉપયોગ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. મેમનગરમાં રહેતા 49 વર્ષીય ટેક્સી ડ્રાઇવરે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેમની જાણ બહાર તેમના ફોટાનો ઉપયોગ કરીને ઓલા (Ola) એપ પર અન્ય વ્યક્તિના નામે નકલી ડ્રાઇવર ID બનાવવામાં આવી હતી. આ પ્રોફાઇલના આધારે બીજી ગાડી ચલાવીને પેસેન્જરો પાસેથી ટ્રિપ મેળવવામાં આવતી હતી.
એરપોર્ટ પર ફોટો જોઈને થયો ખુલાસો
ફરિયાદ મુજબ, 7 ઓક્ટોબરના રોજ ટેક્સી ડ્રાઇવર અમદાવાદ એરપોર્ટના ટર્મિનલ-2 પર પેસેન્જર લેવા ગયા હતા. આ દરમિયાન એરપોર્ટ સર્કલ બસ સ્ટેન્ડ નજીક તેમની નજર એક અન્ય ડ્રાઇવર પર પડી હતી. તે વ્યક્તિ ઓલા એપ પર તેમના જ ફોટાવાળી ડ્રાઇવર પ્રોફાઇલનો ઉપયોગ કરી રહ્યો હતો. આથી મૂળ ડ્રાઇવરે તેની પાસે જઈને પૂછપરછ કરી હતી અને ઇરશાદ નામના વ્યક્તિને પકડ્યો હતો. તેના મોબાઇલ ફોનની તપાસ કરતાં ‘દીપક’ નામે એક પ્રોફાઇલ મળી આવી હતી. તેમાં ફોટો ફરિયાદીનો હતો, પરંતુ વાહનનો નંબર GJ-12-CT-4747 અને ડ્રાઇવિંગ લાઇસન્સની વિગતો અલગ હતી.
માલિક મનોજ ચતુર્વેદીનું નામ સામે આવ્યું
પૂછપરછ દરમિયાન ઇરશાદે જણાવ્યું હતું કે મોબાઇલ ફોન તેના માલિક મનોજ ચતુર્વેદી ઉર્ફે અંકુશ બોડીગાર્ડનો છે. તે આ નકલી પ્રોફાઇલનો ઉપયોગ માલિકની અલ્ટો અને ડિઝાયર કાર માટે ટ્રિપ મેળવવા કરતો હતો. ફરિયાદીએ આ સમગ્ર મામલે પોલીસને જાણ કરતાં સાયબર ક્રાઇમ પોલીસે તપાસ શરૂ કરી છે.
એરપોર્ટ પર વહેલી રાઇડ મેળવવા ફેક GPSનો ઉપયોગ?
આ ફરિયાદમાં ટેક્સી ડ્રાઇવરે ફેક GPS એપના ઉપયોગ અંગે પણ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, કેટલાક ટેક્સી ડ્રાઇવરો એરપોર્ટ પર પેસેન્જર મેળવવામાં અગ્રતા મેળવવા માટે મોબાઇલમાં ફેક GPS એપનો ઉપયોગ કરે છે. આવી એપ્સની મદદથી મોબાઇલનું લોકેશન બદલી શકાય છે. પરિણામે ડ્રાઇવર ખરેખર એરપોર્ટથી દૂર હોવા છતાં ઓલા-ઉબર જેવી રાઇડ-બુકિંગ કંપનીઓના પ્લેટફોર્મ પર તે એરપોર્ટ નજીક ઊભો હોવાનું દર્શાવી શકાય છે. તેના કારણે નિયમ મુજબ લાઇનમાં ઊભેલા અન્ય ડ્રાઇવરોની સરખામણીએ આવા ડ્રાઇવરોને વહેલી રાઇડ મળવાની શક્યતા રહે છે. ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ છે કે આ પ્રકારની ગતિવિધિઓ અંગે ડ્રાઇવરોના ઓનલાઇન ગ્રૂપમાં ચર્ચા થતી હતી અને GPS લોકેશન સાથે ચેડાં કરવા માટે દર મહિને રૂ. 1,500થી રૂ. 5,000 સુધીની રકમ ચૂકવવામાં આવતી હોવાનો આક્ષેપ છે. હાલમાં અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે નકલી ID બનાવવા, ટેક્સી ડ્રાઇવરના ફોટાનો દુરુપયોગ કરવા અને ફેક GPS એપના ઉપયોગ સહિતના મુદ્દે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.











