અમદાવાદમાં 'ખાખી'નો ખોટો ખેલ: ખોખરામાં નકલી પોલીસે વેપારી મહિલા સહિત ૩ લોકોને શીશામાં ઉતાર્યા

શહેરમાં ખાખી વર્દી અને પોલીસ ઓળખનો દુરુપયોગ કરી સામાન્ય નાગરિકોને ધાકધમકી આપીને ઠગાઈ કરતા વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ખોખરા વિસ્તારમાં વેપારી મહિલાને અટવાયેલો માલ છોડાવી આપવાની અને મકાનના દસ્તાવેજ કરાવી આપવાની લાલચ આપી પોલીસ તરીકે ઓળખ આપનારા એક ઠગે રૂ. 47,500ની છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે. આ મામલે ખોખરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શું છે સમગ્ર મામલો?
ખોખરા કર્ણાવતી રોડ પર આવેલા પ્રમુખ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા અને ઓઢવ ખાતે જેન્ટ્સ શર્ટ જોબવર્કનું કારખાનું ચલાવતા સંગીતાબેન પટેલે ખંભાતના એક શખ્સને જોબવર્ક માટે 567 શર્ટ આપ્યા હતા. કામ સમયસર પૂરું ન થતાં અને માલ પરત મેળવવાની બાબતે તેમનો માલ અટવાયો હતો.
આ મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે પડોશી અશ્વિનીબેને સંગીતાબેનનો સંપર્ક અલ્કેશ રમણભાઈ પરમાર (રહે. પ્રિતમપાર્ક સોસાયટી, અમરાઈવાડી) સાથે કરાવ્યો હતો.
પોલીસ હોવાની ઓળખ આપી પડાવ્યા નાણાં
આરોપી અલ્કેશે પોતે પોલીસ ખાતામાં નોકરી કરતો હોવાનો દંભ રચીને સંગીતાબેનનો અટવાયેલો માલ પરત અપાવી દેવાની ખાતરી આપી હતી. ત્યારબાદ:
ખંભાત જવાના પેટ્રોલ પેટે રૂ. 4,500 અને પતાવટ પેટે રૂ. 19,000 ઓનલાઈન મેળવી લીધા.
આ ઉપરાંત, બાકરોલ ખાતે શેડ ભાડે અપાવવાના નામે ડિપોઝિટ પેટે વધુ રૂ. 11,000 પડાવ્યા.
સંગીતાબેન ઉપરાંત તેમના પડોશી અશ્વિનીબેન પાસેથી રૂ. 10,000 અને ગોપાલભાઈ મહાજન પાસેથી મકાનના દસ્તાવેજ કરાવી આપવાના નામે રૂ. 14,000 એમ કુલ મળીને ત્રણેય લોકો પાસેથી રૂ. 47,500 ખંખેરી લીધા હતા.
પૈસા માંગતા આપતો ધમકીઓ, રીઢો ગુનેગાર નીકળ્યો આરોપી
આરોપીએ નાણાં પડાવ્યા બાદ ન તો શર્ટ અપાવ્યા કે ન તો દસ્તાવેજનું કામ કર્યું. જ્યારે ભોગ બનનારોએ પોતાના પૈસા પરત માંગ્યા, ત્યારે આરોપી અલ્કેશ ફોન પર ધમકીઓ આપવા લાગ્યો હતો. આથી કંટાળીને સંગીતાબેને ખોખરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી અલ્કેશ પરમાર એક રીઢો ગુનેગાર છે. અગાઉ પણ તેની સામે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પોલીસ તરીકેની ખોટી ઓળખ આપીને લોકો સાથે છેતરપિંડી આચરવા અંગેનો ગુનો દાખલ થઈ ચૂક્યો છે. હાલ ખોખરા પોલીસે બીએનએસ (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આ નકલી પોલીસની સઘન પૂછપરછ હાથ ધરી છે.













