સુરતમાં આરોગ્ય મંત્રીએ જેનું સન્માન કર્યું તે જ નીકળ્યો બોગસ ડોક્ટર, ફોટો વાયરલ થતાં વિવાદ

સુરતમાં આયોજિત એક કાર્યક્રમમાં બોગસ ડોક્ટરનું રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હોવાનો મામલો સામે આવતાં વિવાદ સર્જાયો છે. સુરત ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ યોજાયેલા ‘વંદે આયુકોન-3’ કાર્યક્રમમાં એક વ્યક્તિએ આયોજકોને ગેરમાર્ગે દોરી મંત્રીના હાથે એવોર્ડ મેળવ્યો હોવાનો આક્ષેપ છે. આ વ્યક્તિ અગાઉ નવસારી SOG દ્વારા નકલી ડોક્ટર તરીકે પકડાઈ હોવાની વિગતો સામે આવતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.
મંત્રી સાથેના ફોટો વાયરલ થતાં વિવાદ
વંદે આયુકોન-3 કાર્યક્રમ દરમિયાન આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના હાથે સન્માન મેળવતા વ્યક્તિના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ ફોટો સામે આવ્યા બાદ સન્માન મેળવનાર વ્યક્તિની ઓળખ અને તેની તબીબી લાયકાત અંગે સવાલો ઊભા થયા હતા. અગાઉ નવસારી SOG દ્વારા તેને નકલી ડોક્ટર તરીકે પકડવામાં આવ્યો હોવાની વિગતો સામે આવતાં વિવાદે વધુ વેગ પકડ્યો હતો.
57થી વધુ આયુર્વેદિક તબીબોએ નોંધાવ્યો વિરોધ
આ ઘટનાને પગલે 57થી વધુ ડિગ્રીધારી આયુર્વેદિક તબીબોએ સહીઓ કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તબીબોએ આ મામલે દિલ્હીમાં આવેલી નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઑફ મેડિસિન (NCISM) સમક્ષ લેખિત ફરિયાદ પણ કરી છે. બોગસ તબીબને જાહેર કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવતાં આયુર્વેદિક તબીબી ક્ષેત્રમાં નારાજગી ફેલાઈ છે.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ શું કહ્યું?
આ સમગ્ર વિવાદ અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, કાર્યક્રમ ચેમ્બર ઓફ કોમર્સ જેવી પ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો અને આયુર્વેદને આગળ લઈ જવાના હેતુથી યોજાયો હતો. જોકે, કોઈ વ્યક્તિએ આયોજકોને અંધારામાં રાખીને સન્માન મેળવ્યું હોવાનું તેમના ધ્યાનમાં આવ્યું છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, તેઓ અનેક કાર્યક્રમોમાં હાજરી આપતા હોય છે અને દરેક વ્યક્તિને વ્યક્તિગત રીતે ઓળખતા હોતા નથી. કોઈ વ્યક્તિ તેમની સાથે ફોટો પડાવે અથવા કાર્યક્રમમાં તેમની સાથે હાજર હોય, તેનો અર્થ એવો નથી કે તેને ખોટું કરવા બદલ છોડી દેવામાં આવશે.
તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “જે ખોટું કરશે તેની સામે કાર્યવાહી થશે.” આવા વ્યક્તિનો પરિચય અને તેની ગેરરીતિ સામે આવશે તો તેની સામે કડક પગલાં લેવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.















