Video: માંગરોળ બાયપાસ પર ડીઝલ ભરેલું ટેન્કર બેકાબૂ બન્યું

સોમનાથ-પોરબંદર હાઈવે પર જૂનાગઢના માંગરોળ બાયપાસ પાસે રાત્રિના સમયે અકસ્માત સર્જાયો હતો. ડીઝલ ભરેલા એક ટેન્કરના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ટેન્કર બેકાબૂ બન્યું હતું અને રસ્તા કિનારે આવેલી કેટલીક દુકાનોને ધડાકાભેર અડફેટે લીધી હતી. અકસ્માતને કારણે દુકાનોને ભારે નુકસાન પહોંચ્યું હતું અને સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી તથા લોકોમાં ભારે ફફડાટ મચી ગયો હતો. ટેન્કરમાં જ્વલનશીલ ઇંધણ હોવાથી મોટી દુર્ઘટના સર્જાવાની આશંકા ઉભી થઈ હતી, જેના કારણે હાઈવે પર લોકોના ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. જોકે, રાત્રિના સમયે અકસ્માત થયો હોવાથી તમામ દુકાનો બંધ હતી, જેના કારણે મોટી જાનહાનિ ટળી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી, જેથી તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.







