VIDEO: ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચના સાંસદ મનસુખ વસાવાને માનસિક રીતે બીમાર ગણાવ્યા, જાણો શું છે મામલો
દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના બે મોટા નેતાઓ મનસુખ વસાવા અને ચૈતર વસાવાનો વિવાદ ફરી ઉકળ્યો

દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના બે મોટા નેતાઓ મનસુખ વસાવા અને ચૈતર વસાવાનો વિવાદ ફરી ઉકળ્યો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચના સાંસદ મનસુખ વસાવાને માનસિક રીતે બીમાર ગણાવ્યા હતા.
ચૈતર વસાવા પર સનસનીખેજ આરોપ
મહત્ત્વનું છે કે નર્મદા જિલ્લાના રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ વડાપ્રધાનના કાર્યક્રમના ખર્ચ અંગે સવાલો ઉઠાવ્યા હતા તેના જવાબમાં સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર અધિકારીઓ પર દબાણ બનાવતા હોવાની વાત કરી હતી અને કહ્યું હતું કે ચૈતર વસાવાએ માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસે સરકારી કામો અને ગ્રાન્ટની માહિતીની માંગણી કરી હતી જે માહિતી આપી દેવાતા બાદમાં અધિકારીઓને ડરાવી તોડપાણીનો પ્રયાસ કર્યો હતો.
'એક પણ પૈસો આપવાનો નથી'
આ સમગ્ર વિવાદનું વર્ણન કરતાં મનસુખ વસાવાએ કહ્યું કે 'ચૈતર વસાવાએ માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસે 75 લાખની માંગણી કરી અને એ અધિકારી ગભરાઈ ગયા કે મારે 75 લાખ રુપિયા કાઢવા કઈ રીતે? એ પછી તેમણે કલેકટરને રજૂઆત કરી હતી. બાદમાં મને કીધું, મારી સાથે જિલ્લા પ્રમુખ પણ હાજર હતા. અમારી ઉપસ્થિતિમાં કલેક્ટરે અને કાર્યપાલક ઈજનેરે વાત કરી અમે સ્પષ્ટ ના પાડી દીધી કે તમારે ગભરાવાની જરુર નથી, એક પણ પૈસો કોઈને પણ આપવાનો નથી ચૈતર વસાવાને એક ટેવ પડી ગઈ છે. આ કોઈ હવામાં કરેલી વાત નથી, કલેક્ટર જેવી જવાબદાર વ્યક્તિ ક્યારેય ખોટું ન બોલે, ચૈતર વસાવા વારંવાર ખોટા આક્ષેપો કરતાં હોવાથી મારે હવે તેમને ખુલ્લા પાડવાની ફરજ પડી છે.'
મનસુખ વસાવા ગભરાઈ ગયા
ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો હતો કે, મનરેગા અને 'નલ સે જલ' યોજનામાં થયેલા કૌભાંડોનો મુદ્દો ઉઠાવતા જ મનસુખ વસાવા ગભરાઈ ગયા છે.
ડેડીયાપાડા પ્રવાસનો ખર્ચ ટ્રાયબલ સબપ્લાન્ટમાંથી કરવામાં આવ્યો
તેમણે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડેડીયાપાડા પ્રવાસનો ખર્ચ ટ્રાયબલ સબપ્લાન્ટમાંથી કરવામાં આવ્યો છે. આ ખર્ચની તપાસની માંગ કરતા હવે 'રેલો' મનસુખ વસાવાના ઘર સુધી પહોંચવાનો છે. ચૈતર વસાવાએ દાવો કર્યો હતો કે, તપાસથી બચવા માટે જ મનસુખભાઈ સરકારને રાજીનામાની ધમકી આપી બ્લેકમેઇલ કરી રહ્યા છે.













