મુખ્ય સામગ્રી પર જાઓ

અમરેલીમાં નશામાં ધૂત પોલીસ કર્મીએ ખાખીને લજવી, જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કર્યો

અમરેલીમાં નશામાં ધૂત એક પોલીસ કર્મીએ ખાખીને લજવી છે. અમરેલીના લીલીયાના સલડી ગામે જૂથ અથડામણ વખતે નશાની હાલતમાં પહોંચેલા

અમરેલીમાં નશામાં ધૂત એક પોલીસ કર્મીએ ખાખીને લજવી છે. અમરેલીના લીલીયાના સલડી ગામે જૂથ અથડામણ વખતે નશાની હાલતમાં પહોંચેલા પોલીસ કર્મીનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોના આધારે જિલ્લાના પોલીસ વડાએ પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યો છે.

અમરેલીમાં નશામાં ધૂત પોલીસ કર્મી સસ્પેન્ડ

દિવાળીની રાત્રે અમરેલીના લીલીયાના સલડી ગામે જૂ અથડામણ થઇ હતી. જૂથ અથડામણ વખતે સિદ્ધરાજસિંહ જાડેજા નામનો પોલીસ કર્મી નશાની હાલતમાં ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સ્થાનિક લોકોએ પીધેલો પોલીસ હોવાનું કહેતા પોલીસ કર્મી સિદ્ધરાજસિંહ જાડેજા ભાગી ગયો હતો.

નશાની હાલતમાં પોલીસ કર્મીનો ભાગતો વીડિયો વાયરલ થયો હતો. પોલીસ કર્મીના વાયરલ થયેલા વીડિયો બાદ અમરેલીના એસ.પી. સંજય ખરાતે સિદ્ધરાજસિંહ જાડેજાને બેદરકારીના ભાગ રૂપે સસ્પેન્ડ કર્યો છે.

શું હતી ઘટના? 

અમરેલીના સલડી ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને લાંબા સમયથી ચાલી રહેલા મનદુઃખે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં બંને જૂથના મળીને 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બંને પક્ષોએ સામસામે એકબીજા પર પાઇપ અને ધોકા વડે માર માર્યા હોવાના ગંભીર આરોપો લગાવ્યા છે. 

જૂથ અથડામણના બનાવ બાદ મોડી રાત્રે લીલીયા પોલીસ મથકે બંને પક્ષોના લોકોના ટોળાઓ ઉમટી પડ્યા હતા, જેના કારણે વાતાવરણ વધુ ગરમાયું હતું. ઘટનાની જાણ થતાં અમરેલી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા બંને ટોળાને સમજાવીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હાલમાં પોલીસે ગામમાં શાંતિ જાળવવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો