બંને હાથ ગુમાવ્યા પણ હિંમત નહીં: સાયલાના બિજલ લોહે STI પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં બીજો નંબર મેળવી ઈતિહાસ રચ્યો
કહેવાય છે કે, "મન હોય તો માળવે જવાય" અને આ કહેવતને સાયલા તાલુકાના છ

કહેવાય છે કે, "મન હોય તો માળવે જવાય" અને આ કહેવતને સાયલા તાલુકાના છેવાડાના નોલી ગામના એક રબારી યુવાને સાચી સાબિત કરી બતાવી છે. ૨૦૦૮માં એક કમનસીબ અકસ્માતમાં પોતાના બંને હાથ ગુમાવનાર બિજલ લોહે શારીરિક મર્યાદાઓને હરાવીને જીપીએસસી (GPSC) દ્વારા લેવાયેલી STI (સ્ટેટ ટેક્સ ઈન્સ્પેક્ટર) ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી એક અદભૂત સિદ્ધિ મેળવી છે.
કુદરતની ક્રૂરતા સામે અતૂટ મનોબળ
બિજલ લોહ જ્યારે ધોરણ 6 માં અભ્યાસ કરતો હતો, ત્યારે શોર્ટ સર્કિટના કારણે તેને ગંભીર કરંટ લાગ્યો હતો. આ અકસ્માતમાં તેને પોતાના બંને હાથ ગુમાવવાનો વારો આવ્યો. એક સામાન્ય રબારી પરિવાર, જ્યાં પિતા બકરીઓ ચરાવીને ગુજરાન ચલાવતા હોય, ત્યાં સંતાને બંને હાથ ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પરંતુ બિજલે હાર માનવાને બદલે ભણતરને જ પોતાનું હથિયાર બનાવ્યું.
શિક્ષણની સફર: નોલી ગામથી PHD સુધી
બિજલે પોતાની શારીરિક અક્ષમતાને ક્યારેય ભણતરમાં આડે આવવા દીધી નથી. તેની શૈક્ષણિક સફર કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી નથી: ધોરણ ૧૨ કોમર્સ 78.93 % સાથે સફળતાપૂર્વક પાસ કર્યું. ઉચ્ચ શિક્ષણ અમદાવાદમાં બી.કોમ (B.Com) અને એમ.કોમ (M.Com) પૂર્ણ કર્યું. હાલમાં તે પીએચડી (PHD) કરી રહ્યો છે.
ક્લાર્કથી સીધા STI
બિજલની મહેનત 2023 માં રંગ લાવી જ્યારે તેણે જુનિયર ક્લાર્કની પરીક્ષા પાસ કરી અને હાલમાં તે બોટાદ જિલ્લા પંચાયતમાં ફરજ બજાવી રહ્યો છે. જોકે, તેનું લક્ષ્ય કંઈક મોટું કરવાનું હતું. તેણે લીંબોજ ધામ (રાયસણ) અને વાળીનાથ ભગવાન સંસ્થાના માર્ગદર્શન હેઠળ સરકારી નોકરીની તૈયારીઓ ચાલુ રાખી. પરિણામે, તાજેતરમાં જાહેર થયેલા STI પરીક્ષાના પરિણામમાં તેણે આખા ગુજરાતમાં બીજો નંબર મેળવીને સૌને ચોંકાવી દીધા છે.
યુવાનો માટે પ્રેરણાનો સંદેશ
પોતાની સફળતા વિશે વાત કરતા બિજલ લોહ અને વનરાજભાઈ જણાવે છે કે, "પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય, જો મનોબળ મજબૂત હોય તો રસ્તો મળી જ રહે છે." બંને હાથ વગર પણ જો કોઈ વ્યક્તિ રાજ્ય સ્તરે ટોપ કરી શકતી હોય, તો સામાન્ય યુવાનો માટે આ એક મોટો સંદેશ છે કે હિંમત અને સખત મહેનતથી કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે.
















