મુખ્ય સામગ્રી પર જાઓ

Panchmahal/ કામથી પૂજાવ, નામથી નહીં; ગોધરાના MLAનું મહત્ત્વનું નિવેદન

ગોધરા નગરપાલિકા સંચાલિત સરદાર નગર ખંડના રિનોવેશન બાદ તેના લોકાર્પણ અને સ્નેહમિલન સમારંભમાં

ગોધરા નગરપાલિકા સંચાલિત સરદાર નગર ખંડના રિનોવેશન બાદ તેના લોકાર્પણ અને સ્નેહમિલન સમારંભમાં ગોધરાના ધારાસભ્યએ વિકાસના કામો અને આગામી ચૂંટણીને લઈને મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે નવા વર્ષના સંકલ્પ તરીકે વ્યક્તિગત સુધારણા અને કાર્યશૈલીમાં બદલાવ પર ભાર મૂક્યો, સાથે જ વિરોધીઓ પર પણ કટાક્ષ કર્યો હતો.

નવા વર્ષમાં દુર્ગુણો છોડી, કામ કરવાની પદ્ધતિ બદલવા હાકલ

ધારાસભ્યએ ઉપસ્થિત સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, "નવા વર્ષમાં આપણા દુર્ગુણો, આપણી કુટેવો, અવગુણો અને કામ કરવાની પદ્ધતિ નવા વર્ષમાં બદલવી પડે."

4 મહિના પછી ચૂંટણી: મુરતિયાઓને શુભેચ્છા

આગામી રાજકીય માહોલ અંગે વાત કરતાં તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો કે, "ચાર મહિના પછી ગોધરા નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે, અત્યારથી મુરતિયા થનગને છે." તેમણે તમામ ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોને શુભેચ્છા પાઠવતા કહ્યું કે, "હું તમામને શુભેચ્છા પાઠવું છું. તમે ચૂંટાઈને આવો અને વિકાસના કામો કરો."

કામ મહત્વનું છે, સ્ટેજ કે નામ નહીં: મોદીના વિઝનનો ઉલ્લેખ

વિકાસની રાજનીતિ પર ભાર મૂકતાં ધારાસભ્યએ કહ્યું કે, "સ્ટેજ મહત્ત્વનો નથી, કામ મહત્ત્વનું છે. વ્યક્તિ કામથી પૂજાય છે નામથી નહીં." તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનનો ઉલ્લેખ કરતા ઉમેર્યું કે, "મોદી સાહેબ 2047 ની વાત કરતા હોય તો આપણે પાંચ વર્ષની સત્તા મળે છે તો તે દરમિયાન પ્રજા માટે શું ન કરી શકીએ?"

તેમણે સરકારની યોજનાઓનો લાભ લેવા પર ભાર મૂકતાં કહ્યું કે, "મોસાળમાં મા પીરશનારી છે, તમામ જગ્યાએ સરકાર આપણી છે ત્યારે આપણે ભૂખ્યા રહીએ તે ન ચાલે."

ગોધરાના વિકાસના કામો અને વિઘ્ન સંતોષીઓ પર કટાક્ષ

ધારાસભ્યએ ગોધરા શહેરની મુખ્ય સમસ્યાઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે માહિતી આપી કે, "ગોધરા શહેરની ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે અને લોકોને પડતી મુશ્કેલી દૂર કરવા માટે ગોધરા શહેરના શહેરા ભાગોળ ફાટકની સમસ્યા હલ કરવા માટે અંડર બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી."

જોકે, તેમણે વિકાસના કામોમાં આવતા અવરોધો પર પણ કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું, "ગોધરા શહેરમાં વિકાસના કામોમાં પણ વિઘ્ન સંતોષી હોય છે, ભગવાન એમનું પણ ભલું કરે. સરકારના કામોમાં વિક્ષેપ ઊભો કરે છે અને કામ લંબાવે છે." અંતમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, "રાજકારણ એની જગ્યાએ છે, વિકાસનું કામ વિકાસના કામ તરીકે જ હોય છે."

આ સમાચાર શેર કરો