માત્ર ઈન્ટરકોર્સ એ જ સેક્સ નથી, માણસ જીવે ત્યાં સુધી જાતીય જીવન માણી શકે : ડૉ. રાજશેખર બ્રહ્મભટ્ટ
'જે રીતે માણસ જીવે ત્યાં સુધી આંખ, કાન, નાક વગેરે ઈન્દ્રિયોને ભોગવી શકે છે એ જ રીતે આજીવ

'જે રીતે માણસ જીવે ત્યાં સુધી આંખ, કાન, નાક વગેરે ઈન્દ્રિયોને ભોગવી શકે છે એ જ રીતે આજીવન સેક્સ પણ માણી શકે છે. મેડિકલ સાયન્સ એટલું આગળ વધી ગયુ છે કે માણસ કદાચ નપુંસક જન્મી શકે, પણ નપુંસક મરી ન શકે પરંતુ એના માટે એ સમજવું પડશે કે માત્ર ઈન્ટરકોર્સ એ જ સેક્સ નથી.' આ શબ્દો છે પાંચ દાયકાના અનુભવી મુંબઈ સ્થિત સેક્સોલોજિસ્ટ અને લેખક ડૉ. રાજશેખર બ્રહ્મભટ્ટના. ગુજરાત સમાચાર ગ્રૂપના કલાપ્રકલ્પ 'કલાસ્મૃતિ' ખાતે યોજાયેલા 'સેક્સ : સમજ, અણસમજ અને ગેરસમજ' વિષય પરના લેખક, વક્તા અને પ્રવાસી જય વસાવડા સાથેના સંવાદમાં તેમણે આ વાત કહી.
'જુરાસિક પાર્ક'નું ટી-શર્ટ પહેરીને આવેલા જય વસાવડાએ હળવાશથી કહ્યું કે હું મેં આ પ્રસંગે આ ટી-શર્ટ સાંકેતિક રીતે જ પહેર્યું છે કે આજે પણ આપણે ત્યાં આ વિષય પર 'ડાયનોસોર યુગ'ની માન્યતાઓ પ્રવર્તે છે અને ખુલીને વાત નથી થતી.
કાર્યક્રમમાં બંન્ને વક્તાઓએ એજ્યુકેશન અને આરોગ્યની દૃષ્ટિએ ખુબ જ મહત્ત્વના આ વિષય પર દાખલા-દલીલ, ઈતિહાસ, ભારતીય-સંસ્કૃત સાહિત્ય અને સાયન્ટિફિક ફેક્ટ્સ સાથે રસપ્રદ વાતો કરી. જેમાં સમાજમાં પ્રવર્તતી સંકુચિતતા, સમજ અને ગેરસમજને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉપરાંત અન્ય શહેરોમાંથી ખાસ પધારેલા મહેમાનો, ડોક્ટર્સ અને શિક્ષણવિદ્દો પણ ઉપસ્થિત રહ્યાં. કાર્યક્રમના અંતે ડૉ. રાજશેખર બ્રહ્મભટ્ટનું પુસ્તકગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યુ અને શ્રોતાઓ સાથે પણ સવાલ-જવાબ થયા.
અહીં બંન્ને મહાનુભાવોએ કરેલી વાતોમાંથી કેટલાક ચૂંટેલા અંશો શક્ય એટલા અર્થભેદ વિના યથાતથ પ્રસ્તુત કરવાનો પ્રયાસ કર્યો છે.
પોઈન્ટર્સ :
- વિશ્વભરના સાયકોલોજિસ્ટ અને સેક્સોલોજિસ્ટ મળીને પણ હજારો વર્ષ પૂર્વે આપણા એક ઋષિ વાત્સ્યાયને લખેલા ગ્રંથ 'કામસૂત્ર'ના સિદ્ધાંતોને ખોટા સાબિત કરી શકે એમ નથી. પ્રાચીન ભારત એટલું આધુનિક હતું કે એક મહર્ષિ વિશ્વને આ કક્ષાનો ગ્રંથ આપી શકતો અને એ 'શાસ્ત્ર' કહેવાતું. 'કામસૂત્ર' અંગે લોકોમાં ઘણી ચોપાનિયાછાપ ગેરમાન્યતાઓ છે. વાસ્તવિકતા એ છે કે મૂળ 'કામસૂત્ર' વાંચીએ તો ખ્યાલ આવે કે એમાં માત્ર કામાસનો જ નહિ, પણ પ્રેમ, કુટુંબજીવન, સુખી દામ્પત્ય જીવનની ચીરકાલિન વાતો લખવામાં આવી છે. કામાસનો તો એનો એક નાનકડો અંશ માત્ર છે. આપણે વિશ્વને આવું અદભૂત શાસ્ત્ર આપ્યુ હોવા છતાં કમનસિબે સેક્સ વિશે જેટલા સાયન્ટિફિક રિસર્ચ આવે છે એ પશ્ચિમી દેશોમાંથી આવે છે.
- સેક્સ સુગનો નહિ, પણ સૂઝનો વિષય છે. સાચો સેક્સ બે પગ નહિ, પણ બે કાનની વચ્ચેથી વહે છે. યોગ્ય માર્ગદર્શનના અભાવનું એક કારણ એ પણ છે કે આપણી સારા સાહિત્ય સાથેની ગર્ભનાળ કપાઈ છે.
- આજ-કાલના યુવક-યુવતીઓ લગ્ન પહેલા કંકોત્રી, મેકઅપ, ઘરેણાં-કપડાં વગેરે ઘણી તૈયારીઓ કરે છે, પણ સહજીવનના પાયા સમાન પ્રથમ રાત્રિ વિશે પ્રોપર માર્ગદર્શન મેળવતા નથી. વાત્સ્યાયને 'કામસૂત્ર'માં જ એની ફોર્મ્યૂલા આપેલી છે કે કયા પ્રકારના શારિરીક બાંધા કે જાતિય વૃત્તિ ધરાવતા યુવક કે યુવતીએ કયા પ્રકારના યુવક કે યુવતી સાથે લગ્ન કરવા જોઈએ. આ અર્થના કજોડાઓ પણ સમાજમાં ક્રાઈમના કિસ્સા વધારતા હોય છે. જેના ઉદાહરણો આજે આપણે આસ-પાસમાં જોઈએ છીએ.
- લાંબુ જાતિય જીવન માણવું હોય તો માત્ર સિગારેટ, મીઠા અને ખાંડથી દૂર રહો. કસરત કરો. વજન ન વધવા દો. સેક્સ્યુઅલ પ્રોબ્લેમના મોટાભાગના કિસ્સામાં ડાયાબિટીસ જ જવાબદાર હોય છે.
- ડિવોર્સનું એક કારણ ઘણીવાર ફર્સ્ટ નાઈટ ફેઈલ્યોર પણ હોય છે. એ કોઈ મોટી કે ગંભીર નહિ, પણ સામાન્ય બાબત છે, એના ઘણાં સાયકોલોજિકલ કારણો હોઈ શકે છે. આવા મામલે આપઘાત થયાના દાખલા પણ છે. જેના માટે જાગૃતિનો અભાવ કારણભૂત છે. શું નવો ખરીદેલો ફોન વાપરતા ન આવડે તો આપણે ફેંકી દઈએ છીએ? સેક્સનું પણ આવું જ છે.
'મુઘલ-એ-આઝમ'નું 'મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે...' રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે લખેલું
કાર્યક્રમમાં એક આડવાત એ પણ થઈ કે ક્લાસિક ફિલ્મ 'મુઘલ-એ-આઝમ'નું લતા મંગેશકરે ગાયેલું લોકપ્રિય ગીત 'મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે...' મૂળ ડૉ. રાજશેખર બ્રહ્મભટ્ટના દાદા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે લખેલું. એમણે કેવી રીતે કાનૂની લડાઈ લડીને દાદાના નામે એની ક્રેડિટ અપાવી એની પણ વાત કરી. ઉલ્લેખનિય છે કે ગુજરાતના ઈતિહાસમાં ત્રણ જ મુખ્ય રસકવિ થયા - પ્રેમાનંદ, નન્હાલાલ અને રઘુનાથ બ્રહ્મભટ્ટ.






