મુખ્ય સામગ્રી પર જાઓ
ક્લાસ્મૃતિ

કલાસ્મૃતિમાં 'વરસાદ : વિરહ અને વ્હાલની ઋતુ' વિષય પર જય વસાવડાનું વકતવ્ય યોજાયુ

અમદાવાદના ઈસ્કોન ચાર રસ્તા ખાતે GSTV કેમ્પસમાં આવેલા ગુજરાત સમાચાર ગ્રૂપના કલાપ્રકલ

કલાસ્મૃતિમાં 'વરસાદ : વિરહ અને વ્હાલની ઋતુ' વિષય પર જય વસાવડાનું વકતવ્ય યોજાયુ

અમદાવાદના ઈસ્કોન ચાર રસ્તા ખાતે GSTV કેમ્પસમાં આવેલા ગુજરાત સમાચાર ગ્રૂપના કલાપ્રકલ્પ કલાસ્મૃતિમાં આયોજિત મોન્સૂન ફેસ્ટિવલમાં લેખક-વક્તા અને વિશ્વપ્રવાસી જય વસાવડાનું 'વરસાદ : વિરહ અને વ્હાલની ઋતુ' પર વક્તવ્ય યોજાઈ ગયુ. વકતવ્યના કેટલાક રસપ્રદ મુદ્દા આ મુજબ છે. 

- ભારતીય સંસ્કૃતિના મોટાભાગના ઉત્સવો ચોમાસામાં જ આવે છે. વરસાદ પડે એટલે ભીની માટીની સાથે આપણને વિવિધ પર્વ અને ઉત્સવો શરુ થવાની સુગંધ પણ અનુભવાય છે. વરસતો વરસાદ એ પાંદડા અને ભૂમિ સાથે વ્યક્તિના મનને પણ શુદ્ધ કરે છે. સોળે કળાએ ખીલેલી પ્રકૃતિથી માનવીનું મન પ્રફુલ્લિત થાય છે. 

- વરસાદ પડે અને તમને કાગળની હોડી યાદ આવે તો માનજો કે તમારી માનસિક ઉંમર 5થી 7 વર્ષની છે. કોઈનું ચુંબન, આલિંગન કે સ્પર્શ યાદ આવે તો તમારી ઉંમર 25થી 30 વર્ષની છે, છત્રી અને રેઈનકોટ યાદ આવે તો તમે 35થી 40ના છો. માત્ર ભજિયાં અને દાળવડા જ યાદ આવે તો તમે 50ની આસ-પાસના છો અને જો કંઈ જ યાદ ન આવે તો એ બાબત ગંભીર છે. કાં તો ઈશ્વર બની ગયા છો અથવા તો રાક્ષસ છો. રેઈન સાથે એક પેઈન પણ થવું જરૂરી છે. 

- રામકૃષ્ણ પરમહંસને આધ્યાત્મિકતાના તમામ શીખરો સર કર્યા બાદ પણ રોજ મીઠાઈ ખાવાનું મન થતું હતું. આ વિશે એમને કોઈએ પૂછ્યું ત્યારે એમણે કહેલું કે મીઠાઈ એ આ દુનિયા સાથેનો મારો છેલ્લો તંતુ છે, જો કોઈ દિવસ મને મીઠાઈ ખાવાનું મન ન થાય તો માનજો કે તે આ દુનિયામાં મારો છેલ્લો દિવસ છે. આમ માણસના મનને કંઈક કરવાની ઈચ્છા તો થતી જ રહેવી જોઈએ. કોઈ વ્યક્તિ કે ચીજ-વસ્તુનો વિરહ તમને તડપાવે એનો મતલબ જ એ છે કે તમારામાં લાગણી હજુ જીવંત છે. 

- આપણે ત્યાં તો ભગવાનો પણ એવા થયા છે કે જેમને વરસાદમાં વિરહ અનુભવાય છે. રામાયણમાં વાલમિકીએ વર્ણન કર્યું છે કે વરસતા વરસાદમાં રામને સીતાની યાદ આવે છે અને તે રડે છે. કાલિદાસનું મેઘદુત પણ મૂળત: તો વિરહ અને રોમાંસનું જ ગાન છે.

આ સમાચાર શેર કરો