મુખ્ય સામગ્રી પર જાઓ
ક્લાસ્મૃતિ

કલાસ્મૃતિ મોન્સૂન ફેસ્ટિવલના અંતિમ દિવસે યુવા વાર્તાકાર-ફિલ્મલેખક રામ મોરી સાથે લેખક-પત્રકાર તુષાર દવેનો સંવાદ

અમદાવાદના ઈસ્કોન ચાર રસ્તા ખાતે આવેલા ગુજરાત સમાચાર ગ્રૂપના કલાપ્રકલ્પ કલાસ્મૃતિમા

કલાસ્મૃતિ મોન્સૂન ફેસ્ટિવલના અંતિમ દિવસે યુવા વાર્તાકાર-ફિલ્મલેખક રામ મોરી સાથે લેખક-પત્રકાર તુષાર દવેનો સંવાદ

અમદાવાદના ઈસ્કોન ચાર રસ્તા ખાતે આવેલા ગુજરાત સમાચાર ગ્રૂપના કલાપ્રકલ્પ કલાસ્મૃતિમાં TAFF ગ્રૂપના સહયોગથી આયોજિત મોન્સૂન ફેસ્ટિવલના અંતિમ દિવસે જાણીતા યુવા વાર્તાકાર-ફિલ્મલેખક રામ મોરી સાથે લેખક-પત્રકાર તુષાર દવેનો 'હદયમાં રામ અને કલમમાં કૃષ્ણ : 'મહોતું'થી 'મહારાણી' સુધી પહોંચેલા લેખકની 'સત્યભામા'થી 'રાજાધિરાજ' સુધીની સફર' વિષય પર સંવાદ યોજાઈ ગયો. કાર્યક્રમના કેટલાક રસપ્રદ સંવાદો અહીં પ્રસ્તુત છે. આ સંવાદોની રિલ્સ કલાસ્મૃતિના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર જોઈ શકાશે અને આખો સંવાદ થોડા સમયમાં કલાસ્મૃતિની યુ ટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ થઈ જશે.

બાળપણમાં તે લખેલી સુસાઈડ નોટ કેટલી સાહિત્યીક હતી અને હવે સુસાઈડ નોટ લખવાનુ થાય તો શું લખે?

  • બાળપણમાં ડોક્ટર બનવાનું સપનું સેવનારા રામ મોરીએ સાયન્સમાં અભ્યાસના દબાણ હેઠળ આપઘાત કરવાનું નક્કી કરી લીધેલું અને સુસાઈડ નોટ પણ લખી નાખેલી. કુદવા માટે હોસ્ટેલની બિલ્ડિંગની છત પર પહોંચ્યા ત્યાં જ માતા-પિતાનો ચહેરો યાદ આવતા મરવાનુ માંડી વાળી સુસાઈડ નોટ ફાડવા દોડ્યા હતા. રામે કહ્યું કે, 'હવે કદી સુસાઈડ નોટ ન લખું, પણ લખું તો એવું લખું કે વાંચીને લોકોને જીવવાની ઈચ્છા વધારે થાય.'

તારી 'સત્યભામા' કહે છે કે, 'કૃષ્ણ સૌભાગ્યશાળી છે કે હું મળી!' - સત્યભામાને આટલું અભિમાન કઈ વાતનું છે?

- સત્યભામા એવું કહેતી કે હું ટોળાનો ભાગ ન હોઈ શકું, ટોળાનું કારણ હોઈ શકું. બધાં ભલે દ્વારકાધીશ કહેતા પણ હું તો કૃષ્ણ જ કહીને બોલાવીશ. સત્યભામાને  મહાન નથી થવું, પણ તેને કૃષ્ણને વહેંચવા પણ નથી. તે કૃષ્ણને કહે છે કે તમે કંઈ વ્રજની ગોપીની માટલીમાં રાખેલા માખણ નથી કે સૌ કોઇના હોઠે બિરાજો. તમે કોઈ મોરલા નથી કે તમે કળા કરો અને આખું જગત જુએ. બધા માટે ઉપલબ્ધ હોવું એમાં આપણું માન નહિ. આ રુક્મણી ક્યારેય ન કહી શકે.    

દરેક કવિના કૃષ્ણ અલગ છે, ગોકુળ-મથુરાના કૃષ્ણ અલગ છે, મહાભારતના કૃષ્ણ અલગ છે, તને વ્યક્તિગત રીતે કૃષ્ણનું કયુ સ્વરૂપ સૌથી પ્રિય છે?

- મને વૃદ્ધાવસ્થાના કૃષ્ણ સૌથી પ્રિય છે અને જીવનમાં ક્યારેક તક મળી તો એ કૃષ્ણની કથા આલેખવી છે કે જેમણે સમગ્ર આર્યાવર્તને ઉપદેશ આપ્યો અને બાંધી રાખ્યો, પણ પોતાના વંશને જે બાંધી ન શક્યા. યાદવાસ્થળી અટકાવી ન શક્યા એ નિરાધાર કૃષ્ણ મને પ્રિય છે.

આ સમાચાર શેર કરો