વલસાડ-વડનગર અને બાંદ્રા ટર્મિનસ-જયપુર એક્સપ્રેસને આ સ્ટેશનોને પર અપાયું સ્ટોપેજ, મુસાફરોની સુવિધાને લઈ રેલવે તંત્રનો નિર્ણય

ગુજરાતના મુસાફરોની સુવિધામાં વધારો કરતા રેલવે બોર્ડે વલસાડ-વડનગર એક્સપ્રેસને અંકલેશ્વર સ્ટેશન પર સ્ટોપેજ આપવાની મંજૂરી આપી છે. ટ્રેન નંબર 20959/20960 વલસાડ-વડનગર એક્સપ્રેસને પ્રાયોગિક ધોરણે અંકલેશ્વર સ્ટેશન પર રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, ટ્રેન નંબર 22933/22934 બાંદ્રા ટર્મિનસ-જયપુર એક્સપ્રેસને પણ નવસારી સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશે.
વલસાડ-વડનગર એક્સપ્રેસને અંકલેશ્વર સ્ટેશન પર સ્ટોપેજ અપાશે
રેલવે બોર્ડ દ્વારા વલસાડ-વડનગર એક્સપ્રેસ અને બાંદ્રા ટર્મિનસ-જયપુર એક્સપ્રેસ માટે તાજેતરમાં આદેશ જારી કરવામાં આવ્યા છે. બંને ટ્રેનોને સંબંધિત સ્ટેશન પર વહેલી તકે અનુકૂળ તારીખથી સ્ટોપેજ આપવાની સૂચના આપવામાં આવી છે.
અંકલેશ્વરના પેસેન્જરોને મળશે લાભ
વલસાડ-વડનગર એક્સપ્રેસને અંકલેશ્વર સ્ટેશન પર સ્ટોપેજ મળવાથી આ વિસ્તારના પેસેન્જરોને ટ્રેનમાં ચઢવા અને ઊતરવા માટે વધારાનો વિકલ્પ મળશે. ખાસ કરીને વલસાડ અને વડનગર તરફ મુસાફરી કરતા પેસેન્જરોને આ સુવિધાનો લાભ મળી શકશે. જો કે, સ્ટોપેજ કઈ તારીખથી શરૂ થશે અને ટ્રેનનો અંકલેશ્વર ખાતેનો સમય શું રહેશે તે અંગેની વિગતો આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.
નવસારીમાં પણ એક્સપ્રેસ ટ્રેન રોકાશે
બાંદ્રા ટર્મિનસ-જયપુર એક્સપ્રેસને નવસારી સ્ટેશન પર સ્ટોપેજ આપવાનો પણ નિર્ણય લેવાયો છે. રેલવે બોર્ડે બંને ટ્રેનોના સ્ટોપેજ પ્રાયોગિક ધોરણે મંજૂર કર્યા છે. આ સ્ટેશનો પર ટિકિટના વેચાણ પર નજર રાખીને સ્ટોપેજની સમીક્ષા કરવામાં આવશે. ત્યારબાદ રેલવે દ્વારા સંબંધિત સ્ટેશન પર આ નવી સુવિધા કાયમી કરવા અંગે નિર્ણય લેવામાં આવશે.








