મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બગસરાના સમઢિયાળા ગામે સિંહે વનકર્મી પર કર્યો હુમલો, ઇજાગ્રસ્તને અમરેલી સિવિલ ખસેડાયા

બગસરાના સમઢિયાળા ગામે સિંહે વનકર્મી પર કર્યો હુમલો, ઇજાગ્રસ્તને અમરેલી સિવિલ ખસેડાયા
તસવીર: gstv

અમરેલી જિલ્લામાં સિંહના હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. બગસરા તાલુકાના સમઢિયાળા ગામે ખેતરમાં બેઠેલા સિંહને દૂર ખદેડવા ગયેલા વનવિભાગના કર્મચારી પર એક સિંહે અચાનક હુમલો કરતાં તેઓ ઘાયલ થયા છે. આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે.

વનકર્મી પર અચાનક હુમલો

મળતી માહિતી મુજબ, સમઢિયાળા ગામના એક ખેતરમાં બે સિંહ બેઠા હતા. ખેતરમાં ખેતીકામ કરતા ખેડૂતને સિંહોની હાજરીને કારણે ખેતી કરવામાં મુશ્કેલી પડી રહી હતી. આથી ખેડૂતે વનવિભાગને જાણ કરી હતી. ખેડૂતની જાણના આધારે વનવિભાગના કર્મચારી સિંહોને ખેતરમાંથી દૂર ખદેડવા માટે પહોંચ્યા હતા.

આ દરમિયાન ખેતરમાં બેઠેલા બે સિંહમાંથી એક સિંહે વનકર્મી પર અચાનક હુમલો કરી દીધો હતો. હુમલામાં વનવિભાગના કર્મચારી મહેશ માટીયાને પીઠ અને કમરના ભાગે ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત વનકર્મીને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અગાઉ પણ વનકર્મીઓ પર સિંહના હુમલાની ઘટનાઓ

અમરેલી જિલ્લામાં સિંહના હુમલાની ઘટનાઓ અગાઉ પણ સામે આવી ચૂકી છે. લગભગ એક મહિના પહેલાં રાજુલા પંથકમાં બે વનકર્મીઓ પર સિંહે હુમલો કર્યો હોવાની ઘટનાઓ બની હતી. ત્યારે હવે બગસરાના સમઢિયાળામાં વનકર્મી પર હુમલાની નવી ઘટના સામે આવતાં વનવિભાગના કર્મચારીઓની સુરક્ષાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો