પાટણમાં શાહીકાંડ બાદ બે મહિલા કાર્યકરોને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાતા કોંગ્રેસનો વિરોધ, ગેનીબેન ઠાકોરની ધરણાની ચિમકી

પાટણમાં ભાજપ અને કોંગ્રેસની મહિલા કાર્યકરો વચ્ચે થયેલા ઘર્ષણનો મામલો હવે રાજકીય રીતે ગરમાયો છે. શાહી ફેંકવાની ઘટના મામલે કોંગ્રેસની બે મહિલાઓ સામે ફરિયાદ નોંધાયા બાદ બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી છે. આ કાર્યવાહીનો વિરોધ કરવા કોંગ્રેસના આગેવાનો, નેતાઓ અને ધારાસભ્યો બી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા.
કોંગ્રેસના જગદીશ ઠાકોર, બનાસકાંઠાનાં સાંસદ ગેનીબેન ઠાકોર, કિરીટ પટેલ, રઘુ દેસાઈ અને ચંદનજી ઠાકોર સહિતના આગેવાનોએ પોલીસની કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસના આગેવાનો બે મુખ્ય માંગણીઓ સાથે ડીવાયએસપી રેણુકાને રજૂઆત કરવા પહોંચ્યા હતા. કોંગ્રેસના આગેવાનોએ ફરિયાદ પાછી ખેંચવાની માંગ કરી હતી. આ ઉપરાંત, ભાજપની મહિલા કાર્યકરો સામે કલમ 307 હેઠળ ફરિયાદ નોંધવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી.
ગેનીબેન ઠાકોરની ધરણાની ચીમકી
આ મામલે બનાસકાંઠાનાં સાંસદ ગેનીબેન ઠાકોરે આક્રમક વલણ અપનાવતાં જણાવ્યું હતું કે, જો કોંગ્રેસની ફરિયાદ નોંધવામાં નહીં આવે તો અચોક્કસ મુદતનાં ધરણાં કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, “જે ભાષામાં વાત સમજશે, તે ભાષામાં વાત કરીશું.”
પાટણમાં મહિલા કાર્યકરો વચ્ચેના ઘર્ષણ બાદ હવે બંને પક્ષો વચ્ચેનો વિવાદ પોલીસ કાર્યવાહી અને ફરિયાદની માંગણીઓ સુધી પહોંચ્યો છે. કોંગ્રેસના આગેવાનોની રજૂઆત બાદ પોલીસ તંત્ર શું નિર્ણય લે છે અને આ મામલે આગળ કેવો વળાંક આવે છે તેના પર સૌની નજર છે.








