હરણી કાંડ બાદ સુરક્ષાના દાવા વચ્ચે નળસરોવરમાં મોટો છબરડો! તરવૈયાની ટ્રેનિંગ આપતી વખતે જ યુવક ગરકાવ થયો

ગુજરાતનું વિશ્વપ્રસિદ્ધ અને પ્રકૃતિપ્રેમીઓનું આકર્ષણ કેન્દ્ર એવું નળસરોવર પક્ષી અભયારણ્ય નવમી ઓક્ટોબરથી સત્તાવાર રીતે પ્રવાસીઓ માટે ફરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ દરમિયાન નળસરોવરમાં બોટમેનની ટ્રેનિંગ (તાલીમ) ચાલી રહી હતી. આ દરમિયાન યુવક પાણીમાં ડૂબી જવાની ઘટના સામે આવતા ભારે દોડધામ મચી ગઈ હતી.
તરવૈયાની ટ્રેનિંગ દરમિયાન બની ઘટના
અમદાવાદ જિલ્લાના નળસરોવરમાં અગાઉ બનેલા હરણી બોટકાંડ બાદ બોટિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે સરકાર માન્ય બોટને મંજૂરી આપીને બોટિંગ કરતા લોકોને તરવૈયાઓને તાલીમ આપવામાં આવી રહી છે. આ ટ્રેનિંગ પ્રક્રિયા દરમિયાન 21 વર્ષીય મુબારક પરમાણી અચાનક પાણીમાં ડૂબવા લાગ્યો હતો. આસપાસના લોકો દ્વારા તાત્કાલિક તેને પાણીમાંથી બહાર કાઢીને 108 એમ્બ્યુલન્સ મારફતે કુમારખાન હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
પરીક્ષાના રાઉન્ડ દરમિયાન યુવક ડૂબ્યો
સૂત્રોના જણાવ્યાનુસાર, બોટમેનની પરીક્ષા દરમિયાન પાસ થવા માટે 3 મિનિટમાં 50 મીટર અંતર કાપીને પરત આવવાનું રહે છે. આ પરીક્ષાની તાલીમ દરમિયાન જ આ યુવક ડૂબ્યો હતો. જોકે, આ યુવાન તરતા તરતા ડૂબ્યો કે અન્ય કોઈ કારણસર આ દુર્ઘટના ઘટી તે હાલ તપાસનો વિષય બન્યો છે. આ ઘટના બાદ યુવકને સમયસર તાત્કાલિક સરકારી આરોગ્ય કેન્દ્ર લઈ જવાતા હાલ તેની તબિયત સ્થિર હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
બોટિંગ સેવાઓ અને સુરક્ષા અંગે વિશેષ વ્યવસ્થા
ઉલ્લેખનીય છેકે,છેલ્લા બે વર્ષથી અહીં સ્થાનિક બોટોનું સંચાલન બંધ હતું, પરંતુ હવે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વન વિભાગ અને ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા પ્રમાણિત કરાયેલી 100 નવી યાંત્રિક બોટો અને 5 રેસ્ક્યૂ બોટો દિવાળી સુધીમાં તબક્કાવાર શરૂ કરવામાં આવશે. હાલ બોટમેનને વિશેષ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.








