ગોતા નજીક મ્યુનિ. પ્લોટનું ભાડું ચૂકવ્યા વિના 4 દિવસ ચાલ્યા 'ફળિયું' ગરબા!, AMC તંત્ર ઊંઘતું ઝડપાયું

અમદાવાદના જગતપુર-ગોતા રોડ પર આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના પ્લોટમાં 'ફળિયું' નામે યોજાયેલા ગરબાના સ્થળને 15 ઑક્ટોબરે સીલ કરવામાં આવ્યું છે. ગરબાના આયોજન માટે નક્કી કરાયેલું 21 લાખ રૂપિયાનું ભાડું અને 19 લાખ રૂપિયાની ડિપોઝિટ સહિત કુલ 40 લાખ રૂપિયાની રકમ ભરવામાં આવી ન હોવા છતાં ચાર દિવસ સુધી ગરબા યોજાયા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, આયોજકોએ ફાયર NOC લીધી હતી કે નહીં તે પણ તપાસનો વિષય હોવાનું સત્તાધિશોએ જણાવ્યું છે.
₹40 લાખની ફી ચૂકવ્યા વિના 4 દિવસ ગરબા યોજ્યા
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, AMC દ્વારા નવરાત્રિ દરમિયાન ગરબાના આયોજન માટે પ્લોટ ભાડે આપવામાં આવે છે. ગોતા વૉર્ડમાં જગતપુર રોડ પર આવેલા પ્લોટમાં 'ફળિયું' નામે ગરબાના આયોજન માટે જગ્યા ફાળવવામાં આવી હતી. આ પ્લોટ માટે 21 લાખ રૂપિયા ભાડું અને 19 લાખ રૂપિયા ડિપોઝિટ સહિત કુલ 40 લાખ રૂપિયા ભરવાના હતા. જો કે, આયોજકોએ ચાર દિવસ સુધી આ રકમ જમા કરાવી નહોતી.
આ બાબત 14 ઑક્ટોબરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના ધ્યાન પર આવી હતી. ત્યારબાદ 15 ઑક્ટોબરની સવારે કોર્પોરેશનની ટીમે સ્થળ પર પહોંચીને ગરબા યોજાતાં પ્લોટને સીલ કરવાની કાર્યવાહી કરી હતી.
ચૂકવણી વિના મંજૂરી કેવી રીતે મળી તે તપાસનો વિષય
આ સમગ્ર મામલે કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની મધ્યસ્થ કચેરી, ઉત્તર પશ્ચિમ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઑફિસર અને ગોતા વૉર્ડના ઇન્સ્પેક્ટરની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. ગરબા માટે પ્લોટની ફાળવણી ઓનલાઇન પ્રક્રિયા દ્વારા થતી હોય છે અને નક્કી કરેલી રકમ ભર્યા બાદ જ આયોજન માટે મંજૂરી આપવાની હોય છે. તેમ છતાં, 40 લાખ રૂપિયાની રકમ જમા ન થઈ હોવા છતાં ચાર દિવસ સુધી ગરબાનું આયોજન ચાલુ રહ્યું હતું. આથી ચૂકવણીની ચકાસણી કર્યા વિના સ્થળનો ઉપયોગ કેવી રીતે શરૂ થયો અને સંબંધિત અધિકારીઓને આ બાબતની જાણ સમયસર કેમ ન થઈ તેવા પ્રશ્નો ઊભા થયા છે.
નોંધનીય છે કે, આ ગરબા માટે ખેલૈયાઓ પાસેથી ટિકિટ પેટે 500થી 4000 રૂપિયા સુધીનો ચાર્જ વસૂલવામાં આવી રહ્યો હતો. પરંતુ આયોજકો દ્વારા તંત્રની તિજોરીમાં રૂપિયા જમા કરાવવામાં આવ્યા ન હતા.
ફાયર NOC અંગે પણ તપાસ થશે
ગરબાના આયોજન માટે જરૂરી ફાયર NOC લેવામાં આવી હતી કે નહીં તે અંગે પણ સત્તાધિશોએ તપાસનો વિષય હોવાનું જણાવ્યું છે. જો ફાયર NOC સહિતની જરૂરી મંજૂરીઓ લેવામાં આવી હતી કે નહીં તેની તપાસમાં કોઈ નિયમભંગ સામે આવે તો તે અંગે પણ કાર્યવાહી થઈ શકે છે.








