નવરાત્રિમાં DJ વગાડનારા સાવધાન! ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ: રાતોરાત થશે સરપ્રાઈઝ ચેકિંગ, તંત્રને કડક આદેશ!

નવરાત્રિ દરમિયાન સાયલન્ટ ઝોનમાં ડીજે વગાડી જાહેરનામાનો ભંગ કરવા અંગેની અરજી પર ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને સરપ્રાઈઝ ચેકિંગ કરવા અને ધ્વનિ પ્રદૂષણ રોકવાના નિયમોનું કડક પાલન કરાવવા સૂચન કર્યું છે. હાઈકોર્ટની ખંડપીઠે સરકારને તમામ ઓથોરિટી પાસેથી માહિતી મેળવીને શું પગલાં ભરવામાં આવ્યા છે તે અંગે વિગતવાર જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. કોર્ટે નોંધ્યું હતું કે, આ મામલો માત્ર વેરાવળ પૂરતો મર્યાદિત નથી, પરંતુ સમગ્ર રાજ્યનો પ્રશ્ન છે અને નવરાત્રિના નવ દિવસ દરમિયાન આ સમસ્યા વધુ ગંભીર બને છે. સુનાવણી દરમિયાન અરજદાર સાથે જરૂરી વાતચીત માટે અદાલતે થોડી મિનિટો માટે કોર્ટના માઈક પણ બંધ કરાવ્યા હતા.
અવાજ પ્રદૂષણ પર હાઈકોર્ટની નોંધ
આ મામલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. પર્યાવરણ મંત્રાલયના વર્ષ 2000ના નોટિફિકેશન મુજબ સાયલન્ટ ઝોનમાં લાઉડસ્પીકર કે ડીજે વગાડવા પર પ્રતિબંધ છે. જીપીસીબી તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે રાત્રિના સમયે લાઉડસ્પીકર વગાડવાની મંજૂરી નથી. પરંતુ બેન્ક્વેટ હોલ કે પાર્ટી પ્લોટ જેવી ખાનગી જગ્યાઓમાં નિર્ધારિત ડેસિબલની મર્યાદામાં લાઉડસ્પીકર વગાડી શકાય છે.
સાયલન્ટ ઝોનમાં રાત્રે 45 ડેસિબલથી વધુ અવાજ પર પ્રતિબંધ
જાહેર સ્થળોએ લાઉડસ્પીકર વગાડવા માટે પોલીસની પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત છે. હોસ્પિટલની આસપાસના સાયલન્ટ ઝોનમાં રાત્રિ દરમિયાન અવાજની મર્યાદા 45 ડેસિબલથી ઓછી રાખવાની હોય છે. રાજ્ય સરકારે કોર્ટમાં દાવો કર્યો હતો કે 75 ટકા કિસ્સાઓમાં રાત્રે 12 વાગ્યા પહેલા અવાજ બંધ થાય તે માટે ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. સરકારે આ મામલે વધુ જવાબ રજૂ કરવા માટે બે દિવસનો સમય માગ્યો છે.








