મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગરમાં જિલ્લામાં ગેરકાયદે ખનન પર રાજકોટ રેન્જનો સપાટો, 3.45 કરોડનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગરમાં જિલ્લામાં ગેરકાયદે ખનન પર રાજકોટ રેન્જનો સપાટો, 3.45 કરોડનો મુદ્દામાલ જપ્ત
તસવીર: gstv

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે પથ્થર અને રેતી ખનન સામે રાજકોટ રેન્જની ટીમે મોટી કાર્યવાહી કરી છે. રેન્જ IG નિર્લિપ્ત રાય (IPS)ના આદેશથી ચુડા અને જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડા પાડીને કુલ રૂ.3.45 કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.

8 ડમ્પર સહિતનો મુદ્દામાલ જપ્ત

આ કાર્યવાહીમાં 3 વોશ પ્લાન્ટ, 10 ડમ્પર, 3 લોડર અને 3 હિટાચી મશીન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ સહિતની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની ટીમે ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સમઢિયાળા ગામમાંથી ગેરકાયદે ખનન સાથે સંકળાયેલા 3 વોશ પ્લાન્ટ, 8 ડમ્પર અને 3 લોડર કબજે કર્યા હતા. જ્યારે ચુડાના મોરવાડ ગામની સીમમાંથી ગેરકાયદે પથ્થર ખનન માટે વપરાતાં 3 એક્સકેવેટર કબજે કરવામાં આવ્યાં હતાં.

ગેરકાયદે ખનન કરતાં તત્વોમાં ફફડાટ

બીજી તરફ, જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભોગાવો નદીના કાંઠે આવેલા મઢાદ ગામની સીમમાંથી પથ્થર ભરેલા 2 ડમ્પર કબજે કરવામાં આવ્યાં હતાં. આ કાર્યવાહી દરમિયાન સંબંધિત ડમ્પરોના ડ્રાઇવરને પણ હસ્તગત કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસ દ્વારા ખાણ-ખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે. જિલ્લામાં ગેરકાયદે ખનન સામે થયેલી આ મોટી કાર્યવાહીને પગલે ખનન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.

આ સમાચાર શેર કરો