મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઊંઘતું ઝડપાયું: 6 દિવસ પછી પણ બાળકી ગાયબ, હવે CCTV થી તપાસનો આદેશ!

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઊંઘતું ઝડપાયું: 6 દિવસ પછી પણ બાળકી ગાયબ, હવે CCTV થી તપાસનો આદેશ!

અમદાવાદના નારોલ-પીરાણા રોડ પર શનિવારે(10 ઓક્ટોબર) અંદાજે 40 ફૂટ ઊંડી ડ્રેનેજ લાઇનમાં ખાબકેલી 10 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકીની 6 દિવસ બાદ પણ કોઈ ભાળ મળી નથી. ફાયર વિભાગ દ્વારા ડ્રેનેજ લાઇન, મેનહોલ અને નદીમાં સતત શોધખોળ કરવામાં આવી રહી છે, છતાં બાળકી સુધી પહોંચવામાં સફળતા મળી નથી. દરમિયાન ગુરુવારે(15 ઓક્ટોબર) મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચેરમેન CCTVના આધારે તપાસ કરવાની સૂચના આપી છે.

ચેરમેનના જણાવ્યા અનુસાર, બાળકીની નદી, એસટીપી પ્લાન્ટ અને મેનહોલમાં તપાસ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. સામાન્ય રીતે મૃતદેહ 24 કલાકની અંદર પાણીની સપાટી પર આવી જતો હોય છે, પરંતુ આ કિસ્સામાં આવું થયું નથી. તેથી બાળકી કાદવમાં દટાઈ ગઈ હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે, આ અંગે કોઈ પુષ્ટિ થઈ નથી અને શોધખોળ ચાલુ છે.

પાણીનો ભારે પ્રવાહ, ગરમ ગેસ અને કેમિકલયુક્ત પાણી પડકારરૂપ

બીજી તરફ, ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, જે ડ્રેનેજ લાઇનમાં બાળકી પડી હતી તેમાં પાણીનો પ્રવાહ ખૂબ જ વધારે છે. શોધખોળ દરમિયાન લાઇનમાં નાખવામાં આવતાં સાધનો પણ પાણીના પ્રવાહમાં ટકી શકતાં નથી. આ ઉપરાંત, મેનહોલમાંથી તીવ્ર ગંધ ધરાવતો અને ગરમ ગેસ નીકળતો હોવાથી ફાયર જવાનોને અંદર ઉતરીને કામગીરી કરવામાં મુશ્કેલી પડી રહી છે.

અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, ડ્રેનેજ લાઇનમાં કેમિકલયુક્ત પાણી પણ આવે છે. આ પાણી અને ગેસના કારણે રેસ્ક્યૂ કામગીરી જોખમી બની રહી છે. પરિણામે બાળકીની શોધખોળ માટેની કામગીરીમાં અનેક અવરોધો ઊભા થયા છે.

મુખ્ય ટ્રંક લાઇનમાં કેમિકલયુક્ત પાણી આવતું હોવાની આશંકા

મળતી માહિતી મુજબ, બાળકી જે ડ્રેનેજ લાઇનમાં પડી હતી તે મુખ્ય ટ્રંક લાઇન છે. આ લાઇનમાં દક્ષિણ, પૂર્વ અને ઉત્તર ઝોનનું ડ્રેનેજનું પાણી આવે છે. આ ત્રણેય ઝોનમાં ઔદ્યોગિક એકમો આવેલા હોવાથી કોઈ ઉદ્યોગ દ્વારા ગેરકાયદે કનેક્શન મારફતે કેમિકલયુક્ત પાણી ડ્રેનેજ લાઇનમાં છોડવામાં આવતું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટેન્કર મારફતે પણ કેમિકલયુક્ત પાણી ડ્રેનેજ લાઇનમાં ઠાલવવામાં આવતું હોવાની આશંકા છે. આવી પ્રવૃત્તિઓ મોટાભાગે મોડી રાત્રે અથવા વહેલી સવારે થતી હોવાની માહિતી મળી છે. નરોડા વિસ્તારમાં આવેલા કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવે છે. ઉપરાંત બહેરામપુરા, વટવા અને નારોલ વિસ્તારનાં ઉદ્યોગોનું પાણી પણ આ લાઇનમાં આવતું હોવાની શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે.

આ સમાચાર શેર કરો