મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

નવરાત્રિમાં કન્યા પૂજન માટે બાળકીઓ ન મળે તો શું કરવું? શાસ્ત્રોમાં દર્શાવેલા આ સરળ ઉપાયોથી પૂર્ણ કરો વ્રત

નવરાત્રિમાં કન્યા પૂજન માટે બાળકીઓ ન મળે તો શું કરવું? શાસ્ત્રોમાં દર્શાવેલા આ સરળ ઉપાયોથી પૂર્ણ કરો વ્રત

નવરાત્રિના અંતિમ દિવસોમાં કન્યા પૂજનનું વિશેષ મહત્વ રહેલું છે. ધાર્મિક માન્યતા અનુસાર, ૨ થી ૧૦ વર્ષની કન્યાઓની પૂજા કરીને તેમને નવદુર્ગાના સ્વરૂપ માની ભોજન કરાવવાથી નવરાત્રિનું વ્રત અને પૂજા સંપૂર્ણ ફળદાયી બને છે.

જોકે, આજના ભાગદોડભર્યા જીવનમાં, શહેરોમાં રહેવાને કારણે કે આસપાસ નાની બાળકીઓ ન મળવાને લીધે ઘણા શ્રદ્ધાળુઓ મૂંઝવણમાં મુકાઈ જાય છે. આવા સંજોગોમાં શાસ્ત્રો અને પુરાણોમાં કેટલાક સરળ અને અસરકારક વિકલ્પો સૂચવવામાં આવ્યા છે, જેના દ્વારા પૂજા પૂર્ણ કરી માતા દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે.

કન્યા પૂજન માત્ર એક ધાર્મિક વિધિ જ નથી, પરંતુ તે નારી શક્તિ અને સન્માનનું પ્રતીક છે. જો કન્યા પૂજન માટે બાળકીઓ ન મળે, તો તમે નીચે મુજબના ઉપાયો અપનાવી શકો છો:

અપરિણીત યુવતીઓનું પૂજન: શાસ્ત્રો અનુસાર, નાની બાળકીઓ ઉપલબ્ધ ન હોય તો અપરિણીત યુવતીઓ કે કિશોરીઓને ભોજન કરાવી શકાય છે. તેમને શ્રદ્ધાપૂર્વક ભોજન કરાવી, યથાશક્તિ દક્ષિણા કે ભેટ આપી તેમના આશીર્વાદ લેવાથી પણ કન્યા પૂજન જેટલું જ પુણ્ય મળે છે.

ઘરની સ્ત્રીઓનું સન્માન અને પૂજન: જો બહારથી કન્યાઓ ન મળી શકે, તો ઘરની સ્ત્રીઓ—જેમ કે માતા, બહેન, કાકી, મામી કે ભાભીને દેવીસ્વરૂપ માની તેમનું સન્માન કરો. તેમને આદરપૂર્વક ભોજન કરાવો તેમજ સાડી, ચૂંદડી, શ્રૃંગાર સામગ્રી કે ભેટ આપી રાજી કરો.

ગરીબ અને જરૂરિયાતમંદોની સેવા: જો ઉપરોક્ત કોઈ વિકલ્પ શક્ય ન બને, તો ગરીબ, અસહાય અને જરૂરિયાતમંદ બાળકો કે લોકોને ભોજન કરાવો તેમજ અન્ન-વસ્ત્રનું દાન કરો. નરસિંહ મહેતાએ પણ કહ્યું છે તેમ, જરૂરિયાતમંદોની સેવા કરવાથી માં જગદંબા અતિ પ્રસન્ન થાય છે.

ગૌમાતાનું પૂજન: સનાતન પરંપરામાં ગાયને સર્વદેવમયી અને સાક્ષાત્ દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. કન્યા પૂજનના દિવસે ગાયને લીલો ચારો, ગોળ, રોટલી કે પૂરી ખવડાવી પ્રદક્ષિણા કરવાથી પણ નવરાત્રિની આરાધના સંપન્ન થાય છે.

મંગળ કળશ (ઘડા) નું પૂજન: શાસ્ત્રોમાં કળશને દેવી શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. તેથી બાળકીઓની ગેરહાજરીમાં વિધિવત રીતે સ્થાપિત મંગળ કળશનું પૂજન કરી, અન્નનો ભોગ લગાવીને નવરાત્રિનું વ્રત પૂર્ણ કરી શકાય છે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો