શારદીય નવરાત્રિમાં ઘરમાં લાવો આ પવિત્ર છોડ: મા દુર્ગાની કૃપાથી સુખ-સમૃદ્ધિમાં થશે વધારો

શારદીય નવરાત્રિની ભક્તિભાવપૂર્વક શરૂઆત થઈ ચૂકી છે. નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. ઘટસ્થાપનથી લઈને વિજયાદશમી સુધી ભક્તો પૂજા-અર્ચના, ઉપવાસ અને ઘરની પવિત્રતાનું વિશેષ ધ્યાન રાખતા હોય છે.
સામાન્ય રીતે લોકો તહેવારો દરમિયાન ઘર સજાવવા માટે પ્લાસ્ટિક અને કૃત્રિમ વસ્તુઓનો ઉપયોગ કરે છે, પરંતુ હિન્દુ શાસ્ત્રો અનુસાર પૂજા અને શણગારમાં કુદરતી તત્વોનો ઉપયોગ કરવો સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન ઘરમાં અમુક પવિત્ર છોડ લાવવાથી માત્ર વાતાવરણ જ શુદ્ધ નથી થતું, પરંતુ માતાજીના વિશેષ આશીર્વાદ અને વાસ્તુદોષમાંથી મુક્તિ પણ મળે છે.
જો તમે પણ માતાજીની કૃપા અને ઘરમાં સકારાત્મક ઊર્જા મેળવવા માંગતા હો, તો નવરાત્રિ દરમિયાન આ પવિત્ર છોડમાંથી કોઈપણ એક છોડ ઘરમાં અવશ્ય લાવીને વાવો:
તુલસીનો છોડ:
હિન્દુ ધર્મમાં તુલસીને સર્વોચ્ચ અને પવિત્ર સ્થાન પ્રાપ્ત છે. તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન ઘરમાં તુલસીનો નવો છોડ વાવવો ખૂબ જ શુભ ગણાય છે. માતાજીની આરતી બાદ દરરોજ સાંજે તુલસી ક્યારે ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે.
પારિજાત (હરસિંગાર):
ધાર્મિક માન્યતાઓ અનુસાર પારિજાત એ સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયેલું દિવ્ય વૃક્ષ છે. હરસિંગારના ફૂલો દેવી-દેવતાઓને અત્યંત પ્રિય છે અને તેનો વાસ ઘરમાં સુખ અને શાંતિ લાવે છે. ધાર્મિક અને વાસ્તુ બંને દ્રષ્ટિએ આ છોડને આંગણામાં કે બાલ્કનીમાં લગાવવો અત્યંત ફળદાયી માનવામાં આવે છે.
વિદ્યાનો છોડ (મોરપંખી - થૂજા):
મોરપંખીના પાન મોરના પીંછા જેવા દેખાતા હોવાથી તેને મોરપંખીનો છોડ પણ કહેવાય છે. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ તેને પુસ્તકોમાં રાખતા હોવાથી તેને 'વિદ્યાનો છોડ' તરીકે પણ ઓળખવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન આ છોડ વાવવાથી એકાગ્રતા વધે છે અને શિક્ષણ તથા કારકિર્દી ક્ષેત્રે આવતા અવરોધો દૂર થાય છે તેવી માન્યતા છે.
મની પ્લાન્ટ:
વાસ્તુશાસ્ત્ર મુજબ મની પ્લાન્ટ શુક્ર ગ્રહ અને દેવી લક્ષ્મી સાથે સંકળાયેલો છે. નવરાત્રિ જેવા શુભ દિવસોમાં મની પ્લાન્ટ લગાવવાથી આર્થિક સમૃદ્ધિ વધે છે. તેને હંમેશા ઘરના અગ્નિ ખૂણામાં લગાવવો શ્રેષ્ઠ માનવામાં આવે છે.
લાલ જાસૂદ (હિબિસ્કસ):
માતા દુર્ગા અને કાલિકાની પૂજામાં લાલ જાસૂદનું ફૂલ અનિવાર્ય માનવામાં આવે છે. લાલ રંગ શક્તિ અને ઊર્જાનું પ્રતીક છે. નવરાત્રિ દરમિયાન ઘરમાં લાલ જાસૂદનો છોડ લગાવવો અને તેના તાજા ફૂલો માતાજીના ચરણોમાં અર્પણ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.








