મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાવાગઢમાં માલવાહક રોપ-વેનો કંટ્રોલ ફેઇલ; ટ્રોલી અને મશીન નીચે પટકાયા, સદનસીબે જાનહાનિ ટળી

પાવાગઢમાં માલવાહક રોપ-વેનો કંટ્રોલ ફેઇલ; ટ્રોલી અને મશીન નીચે પટકાયા, સદનસીબે જાનહાનિ ટળી
તસવીર: gstv

યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રિના પવિત્ર પર્વ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શ્રી કાલિકા માતાજીના દર્શનાર્થે આવી રહ્યા છે. ભક્તોની ભારે ભીડ અને સુવિધાને ધ્યાનમાં રાખીને વહેલી સવારથી જ રોપ-વે સેવા કાર્યરત છે. તેવામાં માલવાહક રોપ-વેમાં અકસ્માતની ઘટના બની છે. જેમાં માચીથી ડુંગર પર સામાન લઈ જતી ટ્રોલીનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે ધસી આવ્યા હતા અને રોપ-વેના ફાઉન્ડેશન સાથે અથડાયા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

માલવાહક રોપ-વેનો કંટ્રોલ ખોરવાતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયા

મળતી માહિતી મુજબ, પાવાગઢમાં ઉષા બ્રેકો કંપની સંચાલિત માલવાહક રોપ-વેમાં ડુંગર સુધી સામાન પહોંચાડવામાં આવતી ટ્રોલીનું કંટ્રોલ ફેઈલ થયું હતું. જેમાં રોપ-વે પરથી ટ્રોલી અને મશીન નીચ ધસી આવ્યા હતા. આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં સ્થાનિક અધિકારીઓ, હાલોલના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ(SDM) અને પોલીસનો કાફલો સ્થળ પર દોડી પહોંચ્યો હતો.

પેસેન્જર રોપ-વેની સેવા રાબેતા મુજબ ચાલુ

આ દુર્ઘટના માલવાહક રોપ-વેમાં સર્જાઈ છે. તેવામાં સમગ્ર મામલે તંત્રએ સ્પષ્ટતા કરી છે કે, પેસેન્જર રોપ-વેની સેવા રાબેતા મુજબ ચાલુ છે.

નવરાત્રિમાં પાવાગઢ રોપ-વે સેવાનો સમય

નવરાત્રિમાં મોટી સંખ્યામાં માઈભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે, ત્યારે યાત્રાળુઓની સુગમતા માટે રોપ-વે સેવાની કામગીરીમાં પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય દિવસોમાં સવારે 5:00 વાગ્યાથી શરુ થતી રોપ-વે સેવા નવરાત્રિના તહેવાર દરમિયાન વહેલી સવારે 4:00 વાગ્યાથી જ કાર્યરત છે. ખાસ કરીને આસો નવરાત્રિના નોરતાના મહત્ત્વના દિવસો જેવા કે એકમ, ત્રીજ, સાતમ, આઠમ, નોમ, તેરસ, ચૌદસ અને પૂનમના દિવસે રોપ-વે સેવા સવારે 4:00 વાગ્યાથી શરૂ થઈને રાત્રિના 9:00 વાગ્યા સુધી સતત ચાલુ રાખવામાં આવશે.

આ સમાચાર શેર કરો