મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાવાગઢમાં માતાજીના દર્શન કરી પરત ફરતાં મોટો અકસ્માત! પરિવારની નજર સામે જ 400 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો યુવક!

પાવાગઢમાં માતાજીના દર્શન કરી પરત ફરતાં મોટો અકસ્માત! પરિવારની નજર સામે જ 400 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો યુવક!

પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે વડોદરા જિલ્લાના વાઘોડિયાથી માતાજીના દર્શને આવેલા પરપ્રાંતિય યુવકનું પરિવારજનોની નજર સામે જ આશરે ૪૦૦ ફૂટ જેટલી ઊંડી ખીણમાં પડતા કરુણ મોત થયું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ વાઘોડિયા તાલુકાના કોદરવાયા વસાહતમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના વતની અનિલ શંકરભાઈ ભીલ (ઉ.વ.૩૫) મંગળવારે પરિવારજનો સાથે યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શનાર્થે આવ્યા હતા. મંદિરે દર્શન કરી પરિવારજનો સાથે બપોરે ૧૨ વાગે પરત જતા હતા ત્યારે અચાનક મંદિર નજીક ૪૦૦ ફૂટ જેટલી ઊંડી ખીણ નજીકથી પગપાળા પસાર થતી વખતે અનિલભાઇ ખીણમાં પડયા હતાં. આ સાથે જ પરિવારજનોએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતાં.

બનાવની જાણ પોલીસને કરાતા હાલોલ નગરપાલિકાની ફાયર અને રેસ્ક્યૂની ટીમ દ્વારા ૪૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકેલા અનિલભાઈને બહાર કાઢવા માટે જોખમી કહી શકાય તેવું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ચારથી સાડા ચાર કલાકની ભારે જહેમત બાદ ફાયર અને રેસ્ક્યૂ ટીમના જવાનો ઊંડી ખીણમાં દોરડાની મદદથી ખીણમાં ઊતરી ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં અનિલભાઈને ઝોળીમાં નાખી બહાર કાઢી હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાયા હતા.

હોસ્પિટલમાં તબીબોએ અનિલભાઇને તપાસી મૃત્યુ પામ્યા હોવાનું જાહેર કર્યુ હતું. હોસ્પિટલમાં લઇ જતા સરકારી એમ્બ્યુલન્સમાં જ મોત નિપજ્યુ હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે. બનાવ અંગે પાવાગઢ પોલીસે અકસ્માત મોત અંગેની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો