રાજકોટમાં હૃદયદ્રાવક ઘટના: પ્રેમસંબંધની આડે આવતી માસૂમ ફૂલ જેવી દીકરીને માતાએ જ પાંચમા માળેથી નીચે ફેંકી!

રાજકોટ શહેરના કુવાડવા રોડ પર આવેલી સોસાયટીમાં સવા બે વર્ષની માસૂમ બાળકીને પાંચમા માળેથી નીચે ફેંકીને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જેમાં હત્યા કરનાર બીજું કોઈ નહીં, પરંતુ બાળકીની માતા જ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પતિ સાથેના ઝઘડા અને અન્ય પ્રેમસંબંધ હોવાના કારણે માતાએ જ આ હત્યા કરી હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી છે.
મીડિયા સામે બેભાન થવાનું કર્યું હતું નાટક
મળતી માહિતી અનુસાર, ઘટના બાદ 14મી ઓક્ટોબરે આરોપી પરિણીતાએ મીડિયા સમક્ષ નિવેદન આપતી વખતે આંસુ સારતા જણાવ્યું હતું કે, '12 ઓક્ટોબરના સાંજે હું બાથરૂમમાં હતી ત્યારે મને મમ્મી-મમ્મી એવો અવાજ સંભળાયો હતો. હું બહાર આવીને બધાને પૂછવા ગઈ કે ઢીંગું અહીં છે કે નહીં? બાદમાં પાંચમા માળે જઈને જોયું તો ખબર પડી કે કોઈનું બાળક નીચે પડ્યું છે.' આ બધી વાત જણાવતી વખતે તે મહિલાએ બેથી ત્રણ વખત બેભાન થવાનું નાટક પણ કર્યું હતું જેથી કોઈને તેના પર શંકા ન જાય.
બાળકી જાતે ચડી ન શકે તેમ છતાં અસમંજસ ઊભી થઈ હતી
12 ઓક્ટોબરના રોજ સાંજે 2 વર્ષ અને 4 મહિનાની બાળકી સોસાયટીના પાંચમા માળેથી નીચે પટકાતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. બાળકી જ્યાંથી નીચે પડી તે જગ્યાએ આશરે 4 ફૂટ ઊંચી દિવાલ હતી, જેના પર નાની બાળકી જાતે ચડી શકે તેવી કોઈ શક્યતા નહોતી. આ સંજોગો જોતા બાળકીને કોઈએ ઊંચકીને નીચે ફેંકી દીધી હોવાની શંકા પરિવારજનોએ વ્યક્ત કરી હતી, જેને પગલે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
પોલીસની કડક પૂછપરછ માતાએ કબુલાત કરી
પીઆઈ જી.આર. ચૌહાણ સહિતની ટીમે ટેક્નિકલ સોર્સ અને પડોશીઓ સહિત 14 જેટલા લોકોની આકરી પૂછપરછ હાથ ધરી હતી. સોસાયટીના સીસીટીવી કેમેરા પણ ચકાસવામાં આવ્યા હતા. શરૂઆતમાં માતાએ એવું જણાવ્યું હતું કે કોઈ બાળકીને ફેંકી ગયું છે, પરંતુ પોલીસ દ્વારા જ્યારે માતાની કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે ભાંગી પડીને પોતે જ બાળકીને નીચે ફેંકી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે બાળકીના પિતાને ફરિયાદી બનાવવાની તજવીજ હાથ ધરી છે.








