મુખ્ય સામગ્રી પર જાઓ
ક્લાસ્મૃતિ

કલાસ્મૃતિમાં આજથી 'ધ્રુવ ગીતો' સાથે મોનસૂન ફેસ્ટિવલનો પ્રારંભ

- 24 ઓગસ્ટ સુધી રોજ સાંજે 6.30 વાગ્યાથી વરસાદી વાતાવરણમાં ગીત-સંગીત, વાચિકમ, નાટક, સ

કલાસ્મૃતિમાં આજથી 'ધ્રુવ ગીતો' સાથે મોનસૂન ફેસ્ટિવલનો પ્રારંભ

- 24 ઓગસ્ટ સુધી રોજ સાંજે 6.30 વાગ્યાથી વરસાદી વાતાવરણમાં ગીત-સંગીત, વાચિકમ, નાટક, સિનેમા અને સાહિત્યની જામશે રંગત

- શનિવારે રાત્રે 'વરસાદ : વિરહ અને વહાલની ઋતુ' વિષય પર લેખક જય વસાવડાનું વક્તવ્ય : રવિવારે યુવા વાર્તાકાર-ફિલ્મલેખક રામ મોરી સાથે સંવાદ  

ઈસ્કોન ચાર રસ્તા પર GSTV કેમ્પસમાં આવેલા ગુજરાત સમાચાર ગ્રૂપના કલાપ્રકલ્પ કલાસ્મૃતિ દ્વારા 20થી 24 ઓગસ્ટ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોના મોનસૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યુ છે. જેનો પ્રારંભ આજે સાંજે 6.30 વાગ્યે જેમની નવલકથા 'તત્વમસિ' પરથી નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ 'રેવા' બની હતી એવા નવલકથાકાર-ગીતકાર ધ્રુવ ભટ્ટના ગીતોના કાર્યક્રમ 'ધ્રુવ ગીતો'થી થશે. જેમાં પારુલ મનિષ, સૂર અને સોહની ભટ્ટ સંગીતમય પ્રસ્તુતિ આપશે.

21 ઓગસ્ટ અને ગુરુવારે સાંજે 6.30 વાગ્યે 'વાતડિયું' શિર્ષક હેઠળ ટીમ નિવરધિકના પાર્થ વાળંદ, રક્ષા ત્રાપસિયા, દેવમ સંઘવી અને પ્રિયાંશુ દ્વારા ગુજરાતી વાર્તાઓની અનોખી પ્રસ્તુતિ આપવામાં આવશે.

 એ જ દિવસે 8.30 વાગ્યે સપ્તરંગ શોર્ટફેસ્ટમાં બેસ્ટ એક્ટર-એક્ટ્રેસ અને ડિરેક્ટર તેમજ પુણે શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મેળવનારી જયેશ મોરે, કલ્પના ગાગડેકર, કિર્તી સોની, શ્રેય મારડિયા અભિનિત, મીહિર ભુતા લિખિત અને આદ્યા ત્રિવેદી લિખિત-દિગ્દર્શિત શોર્ટફિલ્મ 'મીટ્ટી પાની'નું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાશે.

22 ઓગસ્ટ અને શુક્રવારે સાંજે ટીમ શંકરાના અર્જુન દવે, નિરજ ગોહિલ, અમન રાયઠઠ્ઠા, આનંદ જોશી, મીરલ પ્રજાપતિ, દેવ રાવલ અને ચેતન રાઠોડ ગુજરાતી ગઝલોની સંગીતમય રજૂઆત કરશે. 

23 ઓગસ્ટ અને શનિવારે સાંજે 6.30 વાગ્યે ગુજરાત સંગીત નાટ્ય અકાદમીની અગાઉની ફાઈનલ સ્પર્ધામાં બેસ્ટ નાટક, બેસ્ટ રાઈટર, બેસ્ટ ડિરેક્ટર (સ્વ. જય વિઠલાણી) અને બેસ્ટ એક્ટરના એવોર્ડ મેળવી ચુકેલુ નાટક 'અસતોમાં સદગમય' ભજવાશે. 'અસતોમાં સદગમય' થોડા સમય પહેલા આવેલી ફિલ્મ 'મીઠડાં મહેમાન'માં હરિનું પાત્ર ભજવનારા ગુજરાતી-હિન્દી-મરાઠી ટેલિવિઝન અને થિયેટર સાથે સંકળાયેલા અભિનેતા અને લેખક મિહિર નિશિથ રાજડાએ લખ્યું છે. મૂળ ગુજરાતીમાં તૈયાર થયેલું આ નાટક પછીથી હિન્દી અને મરાઠીમાં મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં ભજવાઈ ચુક્યુ છે. 

એ જ દિવસે રાત્રે 9.00 વાગ્યે લેખક-પ્રવાસી અને વક્તા જય વસાવડા 'વરસાદ : વિરહ અને વ્હાલ' વિષય પર વક્તવ્ય આપશે.

24 ઓગસ્ટ અને રવિવારે સાંજે 6.30 વાગ્યે જાણીતા યુવા વાર્તાકાર, લેખક અને સ્ક્રિન રાઈટર રામ મોરી સાથે તુષાર દવે સંવાદ કરશે. જેમાં 'મહોતું' અને 'મહારાણી'થી માંડીને 'સત્યભામા' અને કૃષ્ણ ભગવાન પરના વિશ્વના સૌથી મોટા મ્યૂઝિકલ નાટક 'રાજાધિરાજ' સુધીની એમની કૃતિઓની સર્જન પ્રક્રિયાની રસપ્રદ વાતો આવરી લેવાશે. 

કલાસ્મૃતિ મોનસૂન ફેસ્ટિવલના આયોજનમાં 'તારક મહેતા કા ઉલટા ચશ્મા'ના ક્રિએટર અસિતકુમાર મોદી, ધ્રુવ ભટ્ટ અને TAFF (ટ્રાવેલ, આર્ટ, ફૂડ એન્ડ ફેશન) ગ્રૂપ પણ સક્રિય સહભાગી છે. કલાસ્મૃતિ દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમોની માહિતી માટે kala.smruti ઈન્સ્ટાગ્રામ હેન્ડલ ફોલો કરી શકાય છે.

આ સમાચાર શેર કરો