સાયલા નજીક કુખ્યાત આરોપી દેવેન્દ્ર બોરીચા પર પોલીસનું ફાયરિંગ; પગમાં ગોળી વાગતા ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો

સુરેન્દ્રનગરમાં કુખ્યાત આરોપી દેવેન્દ્ર બોરીચા પર પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. અમદાવાદ-રાજકોટ હાઇવે પર સાયલા નજીક આ ઘટના બની છે. પોલીસ ફાયરિંગમાં દેવેન્દ્ર બોરીચાના પગના ભાગે ગોળીઓ વાગી હતી, જેના પગલે તેને ગંભીર હાલતમાં સારવાર માટે સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યો હતો.
આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતાં કાર્યવાહી
મળતી પ્રાથમિક માહિતી અનુસાર, રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમ રાજકોટ તરફથી પરત ફરી રહી હતી, તે દરમિયાન આ ઘટના બની હતી. શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પોલીસની ટીમની કાર્યવાહી દરમિયાન દેવેન્દ્ર બોરીચાએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેના પગલે પોલીસે ફાયરિંગ કર્યું હતું.
કુખ્યાત સામે 20થી વધુ ગુના
દેવેન્દ્ર બોરીચા સામે સુરેન્દ્રનગરના અલગ-અલગ વિસ્તારોમાં 20થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં આરોપીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જોકે, ફાયરિંગની ચોક્કસ પરિસ્થિતિ, ભાગવાનો પ્રયાસ થયો હતો કે નહીં અને સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસ તરફથી સત્તાવાર વિગતો સામે આવ્યા બાદ વધુ સ્પષ્ટતા થશે.






